6 માર્ચ, 2015

ફિલ્મ - ગંગાસતી - આજે તો સતરંગી સત-રંગી ઉત્સવ! (Gujarat Talkies 33)



આજે તો સતરંગી સત-રંગી ઉત્સવ!  
બાવન અઠવાડિયાંનું એક વરસ. બાવન વ્હાઇટ બાર. પિયાનોના સી મેજર સ્કેલમાં. બાવન પત્તાંની જોડ. કમળની પાંખડીઓ બાવન. ગુલાબ પાંખડીઓ પણ બાવન. બાવન એટલે પ્રેમ, સાહસ, ઊર્જા અને પ્રવાસનો અંક. બડો ગજબનો અંક છે, બાવન. જાણકારોના મતે એન્જલ્સ નંબર. વિજ્ઞાન અને આધ્યાત્મ. દુનિયાભરની સભ્યતાઓ. ધર્મો. વેદ. કુરાન. દરેક શાસ્ત્રમાં. બાવનમા ક્રમે આવતા શ્લોક. વર્સ. આયત. એમાં અજબ-ગજબનું જ્ઞાન. દરેક વિશે કહેવું અહીં શક્ય નથી. છતાં આજે કંઇક કહું. ગીતાનો બીજો અધ્યાય. એના બાવનમા શ્લોકમાં કર્મયોગનું જ્ઞાન. પવિત્ર કુર્રાનનો બાવનમો પાઠ. ધ માઉન્ટેન. ઐશ્વર્યની સૌથી ઊંચી પરાકાષ્ઠાની વાત. ગૌતમ બુદ્ધ પછીના એક બુદ્ધ. નાગાર્જુન. એમણે તો એક અદભૂત વાત કહી. વર્સીસ ઑફ એમ્પ્ટીનેસ. શૂન્યતાસપ્તતીમાં. બાવનમી કડી. આંખ પોતે જ પોતાને જોઇ શકતી નથી. એ દ્વારા થયેલું દર્શન સ્વયં વિદ્યમાન ન હોઇ શકે. એ બધો તો આભાસ. જાગ્રત મનથી થાય તે જ ખરું દર્શન.
ganga satiપૉઝિટિવ લાઇફ. અનુભવોને આધારે જાગતું ચૈતન્ય. દરેકને થતું સ્વજ્ઞાન. એનો અંક પાંચ. અને સહકાર. સહયોગ. સમભાવ. સ્વીકૃતિ. સમર્પણ. ભાગીદારી. એનો અંક બે. આ બંનેનો સમન્વય. એટલે બાવન. ગુજરાતી અંકોમાં બાવન લખો. તો એક શબ્દ વંચાય. પર’. સ્વથી આગળ. અંગતથી ઉપર. પર. એટલે અલગ. દુન્યવી જફાથી અલાયદો. પર. પરમ્. પરસ્પર. પરમાત્મા. પરાવર્તન. પરમાર્થ. પરમાણુ. આપણી અંદર સતત. સંકોરાઇને બેસી રહેતો. પર. આપણો સૌથી ઉમદા સ્વ. બહુ ઓછા જણ. સમગ્ર જીવન દરમ્યાન. આ પરને પોતાનો કરી શકે.
પરથી શરૂ થતા ઘણા શબ્દો. ઘણીવાર દેખીતા નકારાત્મક લાગે. પરતંત્ર. પરાજય. પરાશ્રય. આ જ શબ્દો પ્રેમના સંદર્ભે જુઓ. પ્રેમમાં પ્રિયપાત્ર સામે પરાજય. એવો કોઇ વિજય નહીં. એમાં પરતંત્ર કે પરાશ્રિત થવાનું સૌને ગમે. ડાર્લિંગ, પનીર ટીક્કા મસાલા તો તારા હાથના જ હોં. એમ કહેવાનું મન થાય તો કહી દેવું બૉસ! લાઇફ બની જશે. પરમાં સ્વ સંતોષવો. એટલે દરેકના સ્વમાં આપણો પર ઉજાગર કરવો. પરથી જ પરા જાગે. પરા એટલે ઉત્કૃષ્ટતા. પરા એટલે સરસ્વતી. જ્ઞાન. દરેક પ્રકારના કર્મોના નાશ પછી જાગતો સ્વભાવ. પરા એટલે વાણી. શબ્દો વિના સંભળાય. અર્થ વિના પણ સમજાય. એ પછી વેદ. બાઇબલ. કુર્રાન સર્જાય. દિવ્યાત્માઓ દુન્યવી મનુષ્યો સમજે એવા શબ્દોમાં લખે. એ જ પર કૃષ્ણે ગીતામાં કહ્યો. કબીરે બીજકમાં ગાયો. પયંબરે આયતોમાં લખ્યો. ઓલ્ડ અને ન્યૂ ટેસ્ટામેન્ટમાં ભણાયો. નરસિંહના પ્રભાતિયાંમાં ગૂંજ્યો. મીરાંના ભજનોમાં ગવાયો.
આપણે ત્યાં પાંચ મીરાંબાઇ થયાં. જાણકારોને ખબર હશે. ચિત્તોડના મીરાંબાઇ. કાશ્મીરમાં લલ્લેશ્વરી. કર્ણાટકમાં અક્ક મહાદેવી. શ્રીરંગમમાં આંડાલ. અને ગુજરાતના સોરઠમાં. ગંગાસતી. ૧૯૭૯માં બનેલી કે. જી. ભટ્ટ. જયંત કે. ભટ્ટની ફિલ્મ. દિગ્દર્શક દિનેશ રાવળ. પદ્મારાણી. મીનળ પરમાર. અરવિંદ પંડ્યા. અરવિંદ રાઠોડ. મંજરી દેસાઇ. અને એક નહીં. ત્રણ ત્રણ રમેશ મહેતા. ફિલ્મ એન્ટરટેનિંગ છે. સિનેમેટોગ્રાફી સારી. સી. અર્જુનનું સંગીત. કેશવ રાઠોડની કલમે લખાયેલી કાલ્પનિક કથા. અને ગંગાસતીની કથામાં થોડું અંતર. આપણે ગંગાસતીની ઓરિજિનલ વાત કરીએ.
બાવન ભજનો એમણે લખ્યાં. બાવન દિવસમાં. રોજનું એક. સખી, શિષ્યા પાનબાઇ માટે. અને ત્રેપનમાં દિવસે. આજથી આઠ દિવસ પહેલાની તિથિ. ફાગણ સુદ આઠમનો ગુરૂવાર. ૧૮૯૪નું વર્ષ. ગંગાસતીએ સ્વેચ્છાએ દેહત્યાગ કરેલો. એ પછી. ફાગણ સુદ તેરસે પાનબાઇએ જીવનલીલા સંકોરી લીધી. જાણકારોના મતે સંસ્કાર પછી બંનેની ફૂલસમાધિ થઇ. કોણ હતાં આ સોરઠના મીરાંબાઇ ગંગાસતી? એમનાં શિષ્યા પાનબાઇ? બરવાળી નદીને કાંઠે રાજપરા ગામ. પાલિતાણામાં. ત્યાં ગંગાસતીનો જન્મ. ૧૮૪૬માં. આ જ વર્ષે દેશમાં અંગ્રેજો સામે પહેલી લડાઇ પૂરી થઇ. એંગ્લો-સીખ્ખ વૉર. અંગ્રેજો અને સીખ્ખો વચ્ચે. લાહોર અને અમૃતસરની સીમા નક્કી કરવા બાબતે. પેલી બાજુ મેસ્ટરે અને વેનિસને જોડતો બ્રિજ બનેલો. દુનિયાનો સૌથી લાંબો. બે માઇલનો રેલ્વે બ્રિજ. વેનિશિયન લગૂન ઉપર.
દુનિયામાં ભૌતિકતા છવાતી હતી. વિજ્ઞાનનો વ્યાપ વિસ્તરી રહેલો. ત્યારે રૂપાળીબાને ખોળે દેશની જ્ઞાન દીપિકા ગંગાબાનો જન્મ. બાળપણમાં નામ હીરાબા હતું. પિતા ભાઇજી જેસાજી સરવૈયા. ગામના ગિરાસદાર હતા. રૂપાળીબાનું પિયર ચિત્રાવાવ. એમના પિતા રાઓલ સતાજી હોથીજી. ધર્મપરાયણ પરિવાર. ગંગાબામાં ભક્તિ સંસ્કાર મોસાળથી ઉતરેલા. પીપરાળી ગામના સંત ભૂધરદાસજી પાસેથી જ્ઞાન મળેલું. એમને ચાર નાના ભાઇ બેન. ગંગાબા પ્રકૃતિપ્રેમી પણ હતા. બાળપણમાં એમણે રોપેલો લીમડો આજેય વિશાળ સતમંડપ બની લહેરાય છે. રાજપૂત પરંપરા પ્રમાણે ગંગાબાનું લગ્ન થયું. ૧૮૬૪માં. સમળિયા ગામના ગોહેલ ક્ષત્રિય કહળસંગજી સાથે. ત્યારે ગંગાબા સાથે આવેલાં પાનબાઇ. એમના વિષેની આ પહેલી માન્યતા. ઘણા જાણકારો પાનબાઇને ગંગાસતીના પુત્રવધુ માને. ફિલ્મમાં પણ એ જ વાત. ગંગાસતીના પુત્ર અજોભાના પત્ની પાનબાઇ.
ઇતિહાસકારો પાનબાઇ અને ગંગાસતીને એક જ ઉંમરનાં સૂચવે છે. રાજપરા ગામના હમીરભાઇ પઢિયારના દીકરી પાનબાઇ. બંને બાળપણની સહેલીઓ. રાજપૂત પરંપરામાં લગ્ન પ્રસંગે કન્યા સાથે વડારણ મોકલાય. એને એકલું ન લાગે તે સારું. ગામની જ કોઇ સખી. પાનબાઇ ત્યારથી ગંગાબા સાથે ગયેલાં. ત્યાં જ રહેલાં. ગંગાબાના પતિ કહળસંગ પોતે ધર્મપરાયણ હતા. એક ઉલ્લેખ મુજબ મહાન સંત હતા. બીજી માન્યતા મુજબ કહળુભા લગ્ન પછી સતીના સ્પર્શે પારસ પદ પામ્યા. ફિલ્મમાં આ બીજી માન્યતા મુજબની વાત છે.
ભક્તિરંગે રંગે રંગાયેલાં દંપતિ અને પાનબાઇ. જાણે ત્રિવેણી સંગમ. સંતો, સાધુઓનું સીધું સરનામું એટલે ગંગાસતીનું આંગણું. ઘરમાં મન અને અન્ન ભરપૂર હતાં. સતી એમના પતિને ભંડારી તરીકે સંબોધતાં. વખત જતાં કહળસંગજીની ખ્યાતિ, ધર્મભાવના ચોતરફ પ્રસરી. અનેક સંતો ત્યાં આવે. હવેલી જેવડું મોટું ઘર સાંકડું પડવા લાગ્યું. એટલે બાપુ અને સતી વાડીમાં વસ્યા. હનુમાનજીનું મંદિર બનાવીને. જ્ઞાની. સંત. પરોપકારી. એમના દુશ્મન પણ હોય. મશ્કરીઓ કરે. કોણ જાણે કેમ આ દુનિયાદારોને સીધાસાદા જીવતરની અદેખાઇ કેમ હશે? કદાચ સુખની અદેખાઇ. પોતે કદી ન પામી શક્યા એનો રંજ. અને કદી નહીં પામી શકે એવો જાત પરનો ભરોસો. કંઇ નથી ત્યાં બધું જ છે. બધું જ છે ત્યાં સાવ ખાલી. બધાને તો આ બધું સમજાય નહીં. એટલે દુન્યવી ચિત્ત ચકડોળે ચઢે. બીજું કરીને શું કરે? ઇર્ષ્યામાં ભડભડે. ત્યારેય લોકો તો આવા જ હતા.
બાપુ કહળસંગ સવારે સ્નાન ક્રમે નીકળ્યા. કેડી પર ગાય પડેલી. પેલાઓ ટાંપીને જ બેઠેલા. બાપુ આને જીવતી કરો તો ખરા. ખરાઇ ખોટાઇ આમ ન કરાય ભલા આદમી. ગમન આગમન તો સૃષ્ટિનો ક્રમ. એમાં આપણે હાથચાળો ન કરાય. એ તો અભિમાન લાગે. કહળસંગે કીધું ત્યાં તો હાંસી શરૂ. અરે આ તે ક્યાંનો સંત? ચમત્કાર નથી કરતો? બાપુ તોય વિચલિત ન થયા. ત્યાં ગાયનો માલિક આવ્યો. આનું વછેરું ઘેર વલખે છે. બાપુ આ માને જીવતી કરો. છેવટે કહળસંગે ન છૂટકે ગાયને માથે હાથ મૂક્યો. ગાય દોડતી વછેરા પાસે પહોંચી ગઇ. લોકોના મોં બંધ થયાં. પણ બાપુને પસ્તાવો થયો. સૃષ્ટિના ક્રમમાં પોતે કોણ હસ્તક્ષેપ કરનાર? ત્રણ દિવસ એકાંતમાં રહ્યા. પછી સમાધિ લેવાનું નક્કી કર્યું. ગંગાબાએ પણ પતિ સાથે જ પ્રયાણની ઇચ્છા જાહેર કરી. ત્યારે કહળસંગજીએ મના કરી. પાનબાઇનું આધ્યાત્મ શિક્ષણ પતે પછી જ. સંત સમાધિલીન થયા. ૧૮૯૪માં પોષ સુદ પૂનમને રવિવારે. હઠાગ્રહીઓની ઇચ્છા મુજબ અંતિમ સંસ્કાર થયો. છતાં જમણી ભૂજા એમની એમ રહી. એને સમાધિ અપાઇ. આજે વાડીનું સમાધિસ્થાન કહળસંગજીની ભૂજાની સમાધિ છે.
ગંગાસતીને વહેલા અવસરે પતિ પાસે જવું હતું. એમણે બધું જ્ઞાન બાવન પદોમાં વણી લીધું. પાનબાઇ માટે. અને ત્યાં થયો એક ખરો ચમત્કાર. તમારું મન નહીં માને. બધા તર્કવિતર્કો હેઠા પડશે. ગામમાં ઉછરેલી એક સરળ સ્ત્રી. એનાં સાવ સરળ ભક્તિ પદોમાં આધુનિક વિજ્ઞાનની વાતો. ગહન આધ્યાત્મ. યોગવિદ્યા. બધું જ. એમાં ગીતાનો સાર પણ ખરો. ડાબી ઇંગલા ને જમણી છે પિંગલા રાખવું સ્વરભેદમાં ધ્યાન રે, સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું એમ કાયમ લેવું વ્રતમાન રે. યોગનું સ્વર જ્ઞાન. પ્રાણાયમ. અને આહારનું વિજ્ઞાન. જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઇ, એકવીસ હજાર છસ્સોને કાળ ખાશે. દર મિનિટે ૧૫ શ્વાસોચ્છવાસ. એટલે દિવસના ૨૧, ૬૦૦. કોઇ સ્ટેથોસ્કોપ નહીં. કોઇ શ્વાસમાપક યંત્ર નહીં. ક્યાંથી આ વિજ્ઞાન ગંગાસતીને મળ્યું? એમાંય પેલા પરની વાત. ભગતી રે કરવી તેણે, રાંક થઇને રેવું. ને પાનબાઇ મેલવું અંતરનું અભિમાન…. જી. ખોટા સ્વને ત્યાગે તે સાચા પર અને પરસ્પરનો પારસ પામે. ગંગાસતીના બાવન ભજનોમાં આજનું વિજ્ઞાન છે. આવતીકાલની રહસ્યસાધના છે.
આજના રંગપર્વમાં જીવનના ખરા રંગની મસ્તી માણીએ. નરી આંખે દેખાતા. રંગબેરંગી સાત રંગ. સતરંગ. એ તો છાયા ને પડછાયા. એ તમામનું મૂળ તો શ્વેત. સત્યનો રંગ. સતનો રંગ. રંગપર્વની સૌને સતરંગી સત-રંગી શુભેચ્છાઓ!
Viral Mehta