સ્પીલબર્ગના માસ્ટરપીસ કે એક ટીનએજરની નકલ?
બાર વરસની ઉંમરના એક છોકરો. એને ફિલમ ઉતારવાના બહુ અભરખા. માતા એક
રોસ્ટોરાંમાં પિયાનો વગાડે. પિતા કોમ્પ્યુટર્સ બનાવે. તે પણ એ જમાનામાં જ્યારે
દુનિયાએ કોમ્પ્યુટર્સનો કક્કો શીખવોય શરૂ નહોતો કર્યો. આપણા ચેમ્પિયનની પહેલી
ફિલ્મનું નામ ‘ધ લાસ્ટ ગનફાઇટ’. ૯ મિનિટની આ ફિલ્મમાં કલાકારો તરીકે સ્કૂલના ક્લાસમેટ્સ. એક
રેસ્ટોરાંના ખાલી કલાકોમાં પોતાની ફિલ્મોનો શો પાડે. પચીસ સેન્ટની ટિકિટ રાખે.
કમાવાનું કંઇ નહીં, ઉપરથી ઘરના જોડવાના આવે.
એક દિવસ એ ઘરે બેઠો હશે ત્યાં પોસ્ટ-મેન કવર આપી ગયો. એની ૪૦ મિનિટની વોર
ફિલ્મને એવોર્ડ મળ્યો હતો. ઇસ્ટ આફ્રિકાના યુદ્ધ પર બનેલી ફિલ્મ હતી. નામ હતું ‘એસ્કેપ ટુ નો વ્હેર’. ત્યારે એ છોકરાની
ઉંમર હશે માંડ ૧૩ વર્ષ. નાની નાની એડવેન્ચર મૂવિ બનાવતા એવો તો ચસકો ચઢ્યો કે એ
દિવસ એક ફૂલ લેન્થ ફિલ્મ બનાવી કાઢી. ‘ફાયરલાઇટ’ નામથી. ક્લાસમેટ્સને કલાકારો લઇને આખી ફિલ્મ ઘરના ગેરેજમાં
શૂટ કરી હતી. એનું સંગીત પણ જાતે જ બનાવેલું. ૫૦૦ ડોલરનો ખર્ચ થયો હતો. પછી એણે શહેરના
સિનેમા હોલમાં શો પાડ્યો. ટિકિટ રાખી ૧ ડોલર. ગણીને કુલ ૪૯૯ ટિકિટો વેચાઇ. શો પછી
હિસાબ કર્યો ત્યારે ૫૦૦ ડોલરની આવક થઇ હતી. કોઇ ભૂલથી એક ડોલર વધુ આપી ગયું હતું. એક
ડોરલનો ચોખ્ખો નફો થયો હતો.
આ ઘટનાના બરાબર ૧૩ વર્ષ પછી વિખ્યાત રાઇટર, ડિરેક્ટર સ્ટીવન સ્પીલબર્ગે એક
સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવી, ‘ક્લોઝ એનકાઉન્ટર્સ (ઓફ થર્ડ કાઇન્ડ)’. દેશ વિદેશમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર
હિટ થઇ. ફિલ્મે ૧૧૬ મિલિયન ડોલર્સની કમાણી કરી હતી. પછી એક ઇન્ટર્વ્યૂમાં ખબર પડી કે
સ્પીલબર્ગની આ ફિલ્મ પેલા ટીનએજરની ફિલ્મ ફાયરલાઇટ ઉપરથી બની હતી. ક્યાં એનો એક
ડોલરનો નફો અને ક્યાં સ્પીલબર્ગની આ આસમાની સુલતાની?
કોઇને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે સ્પીલબર્ગની સુપર હિટ ફિલ્મો એક ટીનએજરની
કલ્પનાઓ પર આધારિત છે. હા, ખુદ સ્પીલબર્ગ પણ એ કબૂલે છે. એ ટીનએજરનું નામ છે,
સ્ટીવ. સ્ટીવન સ્પીલબર્ગ પોતે. એને કિશોરવયથી જ ફિલ્મોનું ઘેલું લાગેલું. નાનપણમાં
જ માતા પિતાના ડિવોર્સ થયા. સ્ટીવન અને ત્રણ બહેનો પિતા સાથે ફિનિક્સ એરિઝોનામાં
આવ્યો. સ્ટૂડન્ટ લાઇફમાં અનેકવાર જ્યૂ લોકો પરની નફરતનો ભોગ પણ બન્યો હતો. એકવાર
તો લોકોએ એવો મારેલો કે, નાકમાંથી લોહી નીકળી ગયેલું.
સ્ટીવન સ્પીલબર્ગ વિશે બહુ ઓછા લોકોને ખબર હશે કે, યુનિવર્સિટી ઓફ સધર્ન
કેલિફોર્નિયાની થિયેટર, ફિલ્મ અને ટેલિવિઝન સ્કૂલમાં એને એડમિશન નહોતું મળ્યું.
એણે કારકિર્દીની શરૂઆત યુનિવર્સલ સ્ટુડિયોઝ સાથે કરી ત્યારે. અઠવાડિયાંના સાત દિવસ
લેખે અનપેઇડ ગેસ્ટ એડિટર તરીકે કામ મળેલું. એટલું જ નહીં, એના કામ બદલ ફિલ્મના
ટાઇટલ્સમાં કોઇ ક્રેડિટ પણ નહોતી આપવામાં આવતી. પરંતુ, મહેનત અને લગન વિધિના વિધાન
ફેરવી દે છે. ૧૯૯૪માં સ્ટીવન સ્પીલબર્ગને એ જ યુનિવર્સિટીએ માનદ્ ડિગ્રી એનાયત કરી
જ્યાં એક જમાનામાં પ્રવેશ નહોતો મળ્યો. અને ૧૯૯૬માં એ જ યુનિવર્સિટીમાં સ્પીલબર્ગ
ટ્રસ્ટીપદ મળ્યું.
એક તરફ સ્પીલબર્ગ જબરદસ્ત ફિલ્મો બનાવી રહ્યો હતો. બીજી તરફ મનમાં એક રંજ હતો,
ભણતર અધૂરું રહ્યાનો. કોલેજ છોડ્યાના ૩૫ વર્ષ પછી, ઇન્ડિપેન્ડન્ટ પ્રોજેકેટ
સ્ટૂડન્ટ તરીકે, છેક ૨૦૦૨માં સ્પીલબર્ગ બી. એ. પાસ થયો. CSULB દ્વારા. વિષય
હતો, ફિલ્મ પ્રોડક્શન, ઇલેક્ટોનિક આર્ટ. બી. એ. થતાં પહેલાં સ્પીલબર્ગ મેન ઇન
બ્લેક, જ્યૂરાસિક પાર્ક સિરીઝ, ઇન્ડિયાના જ્હોન્સ સિરીઝ, ઇ. ટી., બેક ટુ ધ ફ્યૂચર
સિરીઝ, જોઝ, પોલ્ટરગાઇસ્ટ, માસ્ક ઓફ ઝોરો જેવી અસંખ્ય સુપર હિટ ફિલ્મો આપી ચૂક્યો
હતો અને અગણિત એવોર્ડ્ઝ પણ મેળવી ચૂક્યો હતો.
મોડર્ન સાયન્સ ફિક્શનનો જનક ગણાતો સ્ટીવન રિયાલિટી સિનેમાનો પણ મહાન સર્જક છે.
ગઇસાલ ૨૦૧૨માં જ આવેલી લિંકન એનો તાજો પુરાવો છે. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થવાના
સમયની વાત લઇને અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન પર બનેલી આ ફિલ્મમાં બહુ ચર્ચિત
થર્ટીન્થ એમેન્ડમેન્ડની વાત છે. લિંકન પહેલા અમેરિકન પ્રેસિડેન્ટ હતા જેમની હત્યા
થઇ હતી. ૬૫ મિલિયન ડોલર્સના ખર્ચે બનેલી સ્પીલબર્ગની આ ફિલ્મે વિશ્વભરમાંથી
૨૭૫૨૯૩૪૫૦ ડોલર્સની આવક કરી હતી.
આર્જેન્ટીન માર્ક્સવાદી ક્રાંતિકારી ચે ગુવેરાના જીવન પ્રસંગો પરથી બનેલી
ફિલ્મ ‘ચે’ પણ રિયલ લાઇફ સિનેમાનું
બહેતરીન ઉદાહરણ છે. ક્યુબન કમ્યુનિસ્ટ ફિડેલ કેસ્ટ્રોને મળ્યા પછી ચે ગુવેરામાં
ક્રાંતિના બીજ રોપાય છે તેનો દિલધડક ચિતાર આ ફિલ્મમાં છે. ચે ગુવેરાના પોસ્ટરવાળું
એકાદ ટી-શર્ટ દુનિયાના લગભગ દરેક યંગસ્ટરના વોર્ડરોબમાં હશે.
એક બાહોશ પર્યાવરણવાદી છોકરી એ એમેરિકાની પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિક કંપની
સામે માંડેલા ખટલાની કથા રજૂ કરતી ફિલ્મ ‘એરિન બ્રોકોવિચ’ પણ રિયલ લાઇફ કેરેક્ટરની વાત છે. ફિલ્મમાં એરિનનું પાત્ર
જૂલિયા રોબર્ટ્સે ભજવ્યું છે. કથા સુઝેના ગ્રાન્ટની છે. સ્પીવબર્ગે એક ગંભીર વિષય
પર બનાવેલી કોમેડી ફિલ્મો પણ એક સર્જકની કાબેલિયત સૂચવે છે. એક ચોર ફ્રેન્ક
એબેગ્નેલની રિયલ લાઇફ પરથી બનેલી ‘કેચ મી ઇફ યુ કેન’. ટોમ હેન્ક્સ અને લિયોનાર્ડો-ડી-કોપ્રિકો અભિનિત આ ફિલ્મનો
આઇડિયા લઇ આપણા બોલિવૂડમાં ‘ઓય લક્કી લક્કી ઓય’ બની અને ‘બન્ટી ઔર બબલી’ પણ બની. એવા જ એક ગંભીર વિષયને રમૂજી રીતે રજૂ કરતી ફિલ્મ
છે, ‘ધ ટર્મિનલ’. સત્તર વર્ષ સુધી
પેરિસના એર્પોર્ટ પર રહેલા એક પ્રવાસી મેહરાન કરીમી નિસારીની કથા પર બનેલી આ
ફિલ્મનો હીરો છે, સ્ટીવન સ્પીલબર્ગનો ફેવરિટ, ટોમ હેન્ક્સ.
કાર્કોઝિયન પ્રવાસી વિક્ટર નવ્રોસ્કી ન્યૂ યોર્કના જે.એફ.કે. એરપોર્ટ પર
પહોંચે છે અને એના દેશમાં ક્રાંતિ શરૂ થાય છે. વિક્ટરનો પાસપોર્ટ રદ્દ થાય છે. એ
હવે દેશમાં પાછો જઇ શકે તેમ નથી. ન તો એને ન્યૂ યોર્કમાં પ્રવેશવાની મંજૂરી છે.
ઉપરથી નવ્રોસ્કીને અંગ્રેજી નથી આવડતી. એરપોર્ટ ઓથોરિટી, અન્ય સ્ટાફ સાથે ઘર્ષણો
તથા સંવેદનાઓની વાત રજૂ કરતી આ ફિલ્મ સ્પીલબર્ગના સર્જન ફલકના અગાધનો પરચો આપે છે.
સ્ટીવનભાઇ વિશે કેટલીક અજાણી વાતો પણ એટલી જ રોમાંચક છે. ફોર્બ્સના લેટેસ્ટ
સર્વે પ્રમાણે પ્રસિદ્ધ ગાયિકા મેડોના પછી બીજા ક્રમે ધનવાન તરીકે તેની ગણના થાય
છે. ૨૦૧૨-૧૩ના એહેવાલ મુજબ સ્પીલબર્ગની વાર્ષિક આવક ૧૨૫ મિલિયન ડોલર્સ છે. સ્ટીવને
પોતાની ફિલ્મ ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ
ટેમ્પલ ઓફ ડૂમ’ની અભિનેત્રી કેટ કેપશો
સાથે લગ્ન કર્યા છે. આ દંપતિને સાત સંતાનો છે. સ્ટીવન સાથે લગ્ન કરતા પહેલાં કેટે
જ્યૂ ધર્મ અંગિકાર કરેલો. અને એમના લગ્ન ધાર્મિક વિધિ તથા સિવિલ મેરેજ એમ બે રીતે
થયેલાં. આ લગ્ન ઉપરાંત પણ સ્ટીવનને એક દીકરી છે. હા, આપણી સૌની મનીતી ગ્લેમર ક્વિન
ડ્રૂ બેરીમૂર. યસ, ડ્રૂ, સ્પીલબર્ગની (ગોડ ડોટર) માનેલી દીકરી છે. ઇ. ટી. ફિલ્મમાં
નાની છોકરીનું પાત્ર કર્યું ત્યારથી સ્પીલબર્ગે તેને પોતાની દીકરી માની છે.
કોફી વિશે પણ સ્ટીવનની એક ખાસ વાત જોડાયેલી છે. એ કહે છે, ‘આઇ હેટ કોફી. મેં જિંદગીમાં ક્યારેય કોફી પીધી નથી’. બોલો, સ્પીલબર્ગનો
માનીતો અને એની બધી જ ફિલ્મોમાં દેખાતો કલાકાર કોણ? ટોમ હેન્ક્સ? ટોમ ક્રૂઝ? રિચર્ડ ડ્રિફ્યૂઝ? ના. આમાંથી એક પણ નહીં. એ છે, સ્પીલબર્ગનો પેટ, ડોગ. જે
તેની લગભગ બધી ફિલ્મોમાં દેખાય છે.
સ્પીલબર્ગને બે વાર જેમ્સ બોન્ડની ફિલ્મના ડિરેક્શનની ઓફર મળી હતી. એણે
ઠુકરાવી દીધી. કારણ જાણો છો? વર્ષો પહેલા જ્યારે રોજર
મૂરે જેમ્સ બોન્ડનું પાત્ર ભજવતો હતો ત્યારે યુવાન, ઉત્સાહી સ્ટીવને જેમ્સ બોન્ડની
ટીમ સામે ડિરેક્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે રિજેક્ટ થયો. વર્ષો પછી આ જ ટીમે
સ્પીલબર્ગનો સંપર્ક કર્યો. ત્યારે સ્પીલબર્ગ તો કહે જ ને, ‘માય નેમ ઇઝ સ્પીલબર્ગ, સ્ટીવન સ્પીલબર્ગ’. માઇન્ડ ઇટ!
Viral Mehta