હવે રૂપેરી અદાલત ભરાશે!
બહાવરો થઇને ફરું છું, તારા સરનામે પોસ્ટ કરેલાં કોઇ પરબિડિયાંમાં બિડાઇને. શોધું
છું કોઇ રસ્તો જ્યાં જઇને કહી શકું કે, આપણે આ વળાંક પર ક્યારેક મળ્યા હતા. નવી
ગિટાર પણ લીધી છે. શીખી રહ્યો છું, ક્યારેક કહેવા કે, આ તરજ તારા રણકતા અવાજ સામે
કંઇ નથી. કોઇ રૂપના સાગરનું તારાં નમક સામે શું ગજું? ચાંદ, તારા, ફૂલ,
પતંગિયાં પર ગીત લખવાના જમાના મળે, તો કહી દઉં કે, હવે મને ફુરસદ નથી. સો સો સદીઓ
પારની એક દિલરુબા મારી છાતીમાં ધમકે છે. દરેક ક્ષણ સાચુકલું મનેખ બનીને મને લપેટે
છે એની હસ્તીમાં, મસ્તીમાં....
પ્રેમ! કોઇવાર ખરેખર થઇ જાય ત્યારની વાત છે. પછી મહેબૂબા
નજર સામે હોય કે ન હોય. તોય નિરંતર એના રુમાની લહેકામાં તમારી સાથે વાત કરતી રહે. રસ્તામાં
ચાલતા ક્યાંક અડબડિયું ખાઇ જાવ તો મચલતા ઠુમકે હસીને તમારી મજાક કરે. બધો જ ખાલીપો
ખિલખિલાટથી ભરાઇ જાય. ‘ઊઠો, હવે કેટલું ઉંઘવું
છે? મિટિંગમાં નથી જવું’? એક કાબેલ ટાઇમ
કીપરથી માંડીને સ્વપ્નમાં પણ ન કલ્પી હોય તેવી પ્રેયસી બનીને તમારી અંદર કોઇ વસી
જાય. એને દુનિયાથી સંતાડી રાખવાનું મન થાય.
ઘરમાં, દોસ્તોમાં, કામકાજમાં એ તમારી ડેટ થઇને સાથે રહે. છતાં, કોઇને ખબર
સુદ્ધાં ન પડે. માત્ર તમે અને એ તમારી માશૂક જ જાણો તમારા સંબંધ વિષે. સંબંધની વેલ
પાંગરીને મહેંકી ઊઠે. એક દિવસ પૂરા ઉત્સાહથી તમે પવિત્ર બંધનનો નિર્ધાર કરો. બસ....
ત્યારે, તમારી અને માત્ર તમારી એ મધુરા તમને અધૂરા મૂકીને ચાલી જાય. એડ્રેસ વિનાના
બંધ પરબિડિયાંમાં લાગણીઓ લઇ તમે એને શોધતા ફરો. પછી ખબર પડે કે, તમે એક જ નથી જે
એના પ્રેમમાં હતા. બોલો.... વીજળીથી મોટો ઝાટકો લાગે કે ન લાગે?
લોસ એન્જેલિસના થિયોડોર ટ્વોમ્બલી સાથે પણ આવું જ થયું. લાગણીઓના સહરામાં
ભટકતાઓનો સહારો બનવા પર્સનલ લેટર્સ લખી આપવાનું એનું કામ હતું. કેથરિન એની બાળપણની
પ્રીત! પણ લગ્ન પછી એ પ્રેમ ઘરના કોઇ અજાણ્યા ખૂણામાં
ખોવાઇ ગયો. ડિવોર્સની નોબત આવી ગઇ. ત્યારે જ એનો પરિચય સામન્થા સાથે થયો. સંબંધો
પરથી સાવ ભરોસો જ ખોઇ બેઠેલા થિયોડોરની જિંદગીને નવા મતલબ મળી ગયા. મસ્તીખોર,
ખુશમિજાજ સામન્થા અને ધીર ગંભીર થિયોડોર બંને એકમેકના પાક્કા દોસ્ત બની ગયા. એ
સામન્થાને પોતાની બધી જ વાત કહેતો. સામન્થા એને કોઇ નવી લાઇફ પાર્ટનર શોધવા સલાહ
આપતી. રોજ એ તેને કોઇની સાથે ડેટ પર જવા કહેતી. એક ઓલિવિયા હતી. થિયોડોરની જૂની
મિત્ર એમીની ફ્રેન્ડ. થિયોડોર આનાકાની છતાં, છેવટે ઓલિવિયા સાથે ડેટ પર ગયો તો
ખરો, પણ વાત બની નહીં. ધીમેધીમે એવું થયું કે, સામન્થા અને થિયોડોર એકબીજાથી ખૂબ
નજીક આવી ગયા.
આટલા સામીપ્ય છતાં એક વિચિત્ર હકીકત એ હતી કે, સામન્થાને એ ક્યારેય રૂબરૂ
મળ્યો નહોતો. બસ એક માર્દવભર્યો અવાજ હતો જેનાં અજવાળે પ્રેમનું ફૂલ ખિલી રહ્યું
હતું. ઇન ફેક્ટ, સામન્થા એક નામ હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું. સતત સાથે રાખી
શકાય એવી પર્સનલ ઓપરેટિંગ સિસ્ટમનું. ઓસ્કરની બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં પસંદ થયેલી HER મૂવિની અદ્રશ્ય નાયિકાનું. હા, ૨૦૧૩ની આ સાયન્સ ફિક્શન
ડ્રામા ફિલ્મની મૂવિમાં નાયિકા એક અવાજ માત્ર છે. ગ્લેમરસ સ્કારલેટ જોહેન્સનનો
અવાજ. જેણે રૂપેરી પરદાની અદાલતમાં કન્ફ્યુઝન ઊભું કર્યું છે કે, ફિલ્મમાં દેખાય
નહીં તેમ છતાં બેસ્ટ એક્ટર ફીમેલ કેટેગરીમાં એવોર્ડ આપી શકાય કે કેમ?
એકદમ નવા વિષય પર બનેલી HER ફિલ્મ, ડિરેક્ટર
સ્પાઇક જોન્સની સોલો રાઇટર તરીકે ડેબ્યુ મૂવિ છે. થિયોડોરના પાત્રમાં હ્વોકીન ફિનિક્સ,
પાકટ ઉંમરે એક ઓપરેટિંગ સિસ્ટમના પ્રેમમાં પડે છે, જેનો અવાજ સ્ત્રીનો છે. સૌથી
રસપ્રદ વાત એ છે કે, અદ્રશ્ય નાયિકા સાથે ફિલ્મનો નાયક મો’બતની મિજબાની પણ
માણતો દેખાય છે. ક્યાં, ક્યારે, કેવી રીતે? તમને કહી દઉં? બોલો! તમે HER જોઇ કાઢો પાર્ટી. કારણ કે, હોલિવૂડ કેફેમાં કોઇ તમને એની
આખી સ્ટોરી નહીં કહે....
૮૬મા ઓસ્કર એવોર્ડ્સમાં ૯ બેસ્ટ ફિલ્મો વચ્ચે કટ્ટર સ્પર્ધા જામી છે. દરેકનો
વિષય નવો છે. પરફોર્મન્સ, ડિરેક્શન, કથાવસ્તુ, સંવાદની નવી પરાકાષ્ઠાઓ છે. સાયન્સ
ફિક્શન ડ્રામા શ્રેણીની વધુ એક ફિલ્મ ગ્રેવિટી પણ દાદ માગી લે તેવા વિષય પર બની
છે. સેન્ડ્રા બુલોક અને જ્યોર્જ ક્લૂનીને મુખ્ય પાત્રોમાં ચમકાવતી આ 3D ફિલ્મ છે. એક મહિલા મેડિકલ એન્જિનિયર અને જિંદગીના છેલ્લા
સ્પેસ મિશન પર જતો એક અનુભવી એસ્ટ્રોનોટ. અવકાશમાં પહોંચીને સ્પેસ ક્રાફ્ટની બહાર,
સ્પેસ વોક કરતા દૂર નીકળી જાય છે. બેઝ સ્ટેશન વોર્નિંગ આપે છે કે, અવકાશી
કાટમાળનું એક મોટું ક્લાઉડ એમની તરફ આઘાત કરવા આવી રહ્યું છે. બંને યાત્રીઓને સૂચના
પહોંચતી નથી. તેઓ હજી ભ્રમણામાં છે કે, બેઝ સ્ટેશન સાથે સંપર્ક જારી છે. ત્યાં જ
આવકાશનો કાટમાળ તીવ્ર ગતિથી એમની ઉપર એટેક કરે છે. મહાપ્રયાસે બંને સ્પેસ ક્રાફ્ટ
પર પહોંચે છે. યાન ભયાનક રીતે ડેમેજ થયું છે. એક પણ સાથી બચ્યો નથી. ઇન્ટરનેશનલ
સ્પેસ સ્ટેશન ૧૪૫૦ કિમી દૂર છે. હવે? આંખે ચશ્મા લગાવી
આલ્ફોન્ઝો ક્યુરોનની ગ્રેવિટી જોઇ કાઢો યાર, બીજું શું?
કોણે કહ્યું ભ્રષ્ટાચાર રોકવા સ્ટિંગ ઓપરેશન કેજરીવાલ જ કરે છે? ન્યૂ યોર્કમાં એક FBI એજન્ટે ૧૯૭૮માં
ઓપરેશન એબીસ્કેમ કરેલું. એને આધારિત ડિરેક્ટર ડેવિડ રસેલની ક્રાઇમ થ્રિલર ‘અમેરિકન હસલ’ પણ ઓસ્કરની રેસમાં છે. તો
પછી ચાર ચાર નોવેલ પરથી બનેલી ‘કેપ્ટન ફિલિપ્સ’ શાની પાછળ રહે? અ કેપ્ટન્સ
ડ્યૂટી, સોમાલી પાઇરેટ્સ, નેવી સીલ્સ, અને ડેન્જરસ ડે એટ સી જેવી ચાર સાગરકથાઓ
પરથી પોલ ગ્રીનગ્રાસે ‘કેપ્ટન ફિલિપ્સ’ બનાવી છે. ફિલ્મની કથા ૨૦૦૯ની મર્સ અલાબામા હાઇજેકિંગની
ઘટના પર આધારિત છે. તેમાં તમારો અને સ્પીલબર્ગનો ફેવરિટ ટોમ હેન્ક્સ છે. હવે તો એ
તમારે જોવી જ રહી!
હવે આવે છે, માર્ટિન સ્કોર્સેઝી. ૧૯૯૦ના પ્રસિદ્ધ વોલ સ્ટ્રીટ સિક્યોરિટી
ફ્રોડ પર બ્લેક કોમેડી લઇને. મૂવિનું નામ છે, ‘ધ વૂલ્ફ ઓફ વોલ
સ્ટ્રીટ’. લિયોનાર્ડો દ કેપ્રિકો જોર્ડન બેલફોર્ટના
પાત્રમાં આબાદ છવાઇ ગયો છે. મૂવિ બફ અને મૂવિ ક્રિટિક્સમાં તો આ ફિલ્મ હંગામાની
જેમ ધમાલ મચાવી ચૂકી છે. બસ, તમારી અને ઓસ્કરવાળાઓની રાહ જોવાય છે!
એક મિલિયન ડોલરનું ઇનામ લેવા ‘નાબ્રાસ્કા’ જવું છે? ચલો, એલેક્ઝાન્ડર
પેનેની આ કોમેડી ફિલ્મ પણ ઓસ્કર રેડ કારપેટ પર તમારી રાહ જુએ છે. એની બરાબર
બાજુમાં સ્પર્ધામાં ઊભી છે, ૧૯૮૫માં એચઆઇવી પોઝિટિવ થયેલા રોન વૂડરૂફની રિયલ લાઇફ
સ્ટોરી પર આધારિત, ‘ડાલાસ બાયર્સ ક્લબ’. તેના કેનેડિયન ડિરેક્ટ જીન-માર્ક વેલી પાછળ તો સંખ્યાબંધ
એવોર્ડ્ઝની યાદી ચાલી આવે છે. તો ૫૦ વર્ષ સુધી પોતાના ગુમશુદા પુત્રની તલાશમાં
ફરતી ‘ફિલોમેના’ પરની બ્રિટિશ
કોમેડી લઇને સ્ટિફન ફીયર્સ પણ ઊભો છે. સ્ટીવ મેક્વિન દિગ્દર્શિત ૧૮૪૧ની સત્ય ઘટના
પર આધારિત ‘12 યર્સ અ સ્લેવ’ પણ છે. ફિલ્મ એક
આઝાદ નિગ્રો સોલોમન નોર્થપની ગુલામીનો દિલધડક દસ્તાવેજ છે.
આ વખતે બેસ્ટ ફિલ્મની સ્પર્ધા ખરેખર તીવ્ર છે. ઓસ્કર જ્યૂરીને નાકે દમ આવી
જવાનો છે. તોય આદત પ્રમાણે એકાદને તો એ પસંદ કરી જ લેશે. પરંતુ, હવે ખરી કસોટી
તમારી છે. એક સાચા ફિલ્મ ચાહક તરીકે તમે શું કરશો? તમારી રૂપેરી
અદાલતમાં હોલિવૂડના ‘હુઝ હુ’ની આવડત તમારી ચાહત અને પરખની
એરણે ચઢી છે. બોલો તમે જજ હો તો, કઇ મૂવિને એવોર્ડ આપો?
Viral Mehta