હોલિવૂડ સ્ટાર્સ ધારશે એટલું આયુષ્ય વધારશે!
બે-પાંચ હજાર
વર્ષ તો બહુ ઓછા કીધા બંધુ. યુગોમાં વાત કરો યુગોમાં. હા, હોલિવૂડ સ્ટાર્સની લાઇફ
અનંત તરફ આગળ વધી રહી છે. અવળચંડો જીમ કેરી હોય કે, લોર્ડ ઓફ રીંગ્સનો ગોલમ એન્ડી
સર્કિસ કે, ટોમ ક્રૂઝ, બ્રેડ પીટ, રોબર્ટ ડાઉની જૂનિયર. ગ્લોરિયસ, ગોર્જિયસ ગ્લેમર
ક્વિન્સ એન હાથાવે, એન્જેલિના જોલી, સલમા હાયેક યા સુપર સ્ટારલેટ સ્કારલેટ
જોહેન્સન. આ બધા અને આ ઉપરાંત પણ ઘણાં બધાં પર આપણી ૧૦૦મી પેઢીનું યૂથ આપણી માફક જ
આફરીન થઇ જશે.
બેશક, પ્રિન્સેસ
ડાયરીઝ, આયર્ન મેન, ટોમ રાઇડર, મિશન ઇમ્પોસિબલ, ચાર્લીઝ એન્જલ્સ, રેસિડેન્ટ ઇવિલની
હજારમી સિક્વલ જો બને તો તેમાં પણ આ સ્ટાર્સ આટલા જ યુથફૂલ અને બ્યૂટિફુલ લાગશે.
આટલી જ પ્રબળતાથી એક્શન સ્ટંટ કરી શકશે. સૌથી ગ્રેસફૂલ વોકિંગ સ્ટાઇલ માટે
પ્રસિદ્ધ કેમેરોન ડિયાઝ સદીઓ સુધી લોકોને મદહોશ કરતી ચાલશે. ‘આ કોઇ ફણગો-બણગો કે તુક્કો નથી’, અચરજે હોલિવૂડ કેફેમાં દોસ્તોને કહ્યું. સૈર
અને સ્વાંગ તો ધીમું હસી રહ્યા હતા પણ અવલોકન વિચારમાં હતો. અચરજ ભાગ્યે જ કંઇ
બોલતો. વાતમાં કંઇ દમ હોય તો જ મોં ખોલતો. એટલે જ અવલોકનને હતું, આજે ખરેખર કોઇ
જબરદસ્ત વાત હશે એની પાસે.
તમે એક્સ-બોક્સ
રમ્યા છો? તેના લેટેસ્ટ વર્ઝનમાં, કોન્સોલ પરથી ગેમ
પ્રોજેક્ટર પર 3D ડિસ્પ્લે થાય છે. કમ્પ્યુટર સ્ક્રીન પર પણ જોઇ
શકાય. આ રમતમાં તમારો ચહેરો, ગેમના કેમેરાથી સ્ક્રીન પર દેખાતા ખેલાડીના શરીર સાથે
જોડાઇ જાય છે. આ મોશન સેન્સર કેમેરા અને ઓડિયો સેન્સર રમનારનાં એક્શન, અવાજ સ્પષ્ટ
પકડે છે. બોક્સિંગની ગેમ હોય તો પંચ મારવા જૂની સ્ટાઇલની કંટ્રોલ કી કે જોય
સ્ટીકની જરૂર પડતી નથી. તમે જે કરો અથવા કહો તે કોન્સોલ આબેહૂબ કરે છે. તમે
સ્ક્રીન પર પ્લેયરને રીતસર સાચુકલો પંચ મારી શકો છો. ગેમનું સોફ્ટવેર તમારા
ફોટોગ્રાફને એનિમેટ કરી ૩૬૦ એંગલથી પ્લેયર ફરે તેમ ફેરવી શકે છે. એ સોફ્ટવેરનું
નામ છે, કાઇનેક્ટ.
કાઇનેક્ટની શોધ
૨૦૧૦માં થઇ હતી. 3D એનિમેશન ટેક્નિકનું આ અત્યાધુનિક
સ્વરૂપ છે, લાઇવ 3D એનિમેશન. એનાથી પણ અનોખી
એક સિનેમેટોગ્રાફી ટેક્નિક છે, મેચ મૂવિંગ. આ ટેક્નિકથી કેમેરાના શક્ય એટલા તમામ
એંગલ અને મૂવમેન્ટ કમ્પ્યુટર પર જનરેટ કરી શકાય છે. તમારી પાસે કોઇનો ફોટોગ્રાફ
હોય તો તે વ્યક્તિ કયા એંગલથી કેવી લાગે તે પણ આ સોફ્ટવેર કહી શકે છે. એટલે પહેલા તો
મૂવીમાં જોઇએ તેવા કેમેરા મૂવ અને એંગલ એન્ટર કરો અને પછી ઉમા થ્રુમેનની તસવીર આ
મૂવ સાથે મેચ કરી દો. એટલે હેરતઅંગેઝ કિલ બિલ સીરિઝની દિલધડક એક્શન સિક્વન્સ તૈયાર!
આ ટેક્નિકથી થોડી
જુદી એક બીજી ટેક્નિક છે, મોશન કેપ્ચર. ફિલ્મોમાં તેનો ઉપયોગ શરૂ થયો તે પહેલા
મિલેટરી, મેડિસીન અને સ્પોર્ટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવતો. આ એવી ટેક્નિક છે,
જેમાં વ્યક્તિનું હલન-ચલન કેપ્ચર કરી શકાય છે. કોઇ ગિટારિસ્ટની આંગળીના સ્ટ્રોક,
કોઇ લશ્કરની પરેડ, કોઇ ફેશન મોડેલની કેટ વોક બધું જ આ ટેક્નિકથી 2D અને 3D મોશનમાં કેપ્ચર
થાય છે. ખાસિયત એની એ છે કે, તેમાં સાદા કેમેરાની જેમ વ્યક્તિની આખી તસવીર નહીં
પરંતુ, સ્કેલિટન અને સ્નાયુના હલન-ચલનનું રેકોર્ડિંગ થાય છે.
મોશન કેપ્ચર
વ્યક્તિના વિવિધ એક્સપ્રેશન્સ પણ પકડે છે. હમણાં સુધી મોશન કેપ્ચરનો ઉપયોગ એનિમેશન
ફિલ્મો માટે થતો. આઇસ એજ અને લાયન કિંગ જેવી 2D, 3D એનિમેશન સીરિઝમાં વિશેષ પ્રકારના કેમેરાથી
એક્ટર્સની મૂવમેન્ટ રેકોર્ડ કરી લાયન કે એલિફન્ટના ડ્રોઇંગ સાથે માસ્કિંગ કરવામાં
આવેલી. રામાયણ, મહાભારતની 2D અને 3D એનિમેશન ફિલ્મોમાં પણ આનો જ ઉપયોગ થયો હતો.
હવે મેચ મૂવિંગ
અને મોશન કેપ્ચરને સાથે વિચારો. ધારો કે, ૧૦૦ મીટર્સ સ્પ્રિંટર્સ રેસના ફાસ્ટેસ્ટ
રનર ઉસૈન બોલ્ટની પહેલી રેસનું મોશન કેપ્ચર તમારી પાસે છે. તો આજથી ૧૦૦ વર્ષ પછી
કોઇ પણ એક્ટરની સાથે મેચ મૂવિંગ કરી ફિલ્મ બનાવી શકો. મોશન કેપ્ચર અને મેચ
મૂવિંગના સંયોજનથી હોલિવૂડમાં ટેક્નોલોજીનું ન્યૂ વેવ છવાયું છે. આ બંને ટેક્નિકથી
લાઇવ કેમેરાનો ઉપયોગ અડધોઅડધ ઘટી ગયો છે. તેમાં ફિલ્મકારોની મદદે આવી છે, ડિજીટલ
મેક-અપની વધુ એક ટેક્નિક.
પ્લેનેટ ઓફ
એપ્સમાં ચિફ ચિમ્પાન્ઝી બનેલો એન્ડી સર્કિસ કબૂલે છે કે, તેના ઓન-સ્ક્રીન
પરફોર્મન્સમાં ડિજિટલ મેક-અપથી નવી આભા ઊભી થઇ હતી. ખરેખર મેક-અપ કરીને જો ચિમ્પ
બનાવવો હોય તો કલાકોનો સમય લાગે. અને ખરેખરો ચિમ્પ લાવવો હોય તો એ કહે તે એક્શન
ડિરેક્ટરે કરવી પડે. એટલે ચહેરા અને શરીર પર ખાસ પ્રકારના ડિજિટલ સેન્સર પોઇન્ટ્સ
મૂકીને મેક-અપ તૈયાર કરવામાં આવ્યો. એન્ડીને જેવો છે તેવો જ શૂટ કરી લેવાયો.
ત્યારબાદ સ્પેશ્યલ સોફ્ટવેરથી ચહેરાના હાવભાવ જાળવીને દેખાવ બદલી નંખાયો. એન્ડી
કહે છે, ફિલ્મના પ્રોસેસિંગ પછી હું માનવા જ તૈયાર નહોતો કે, આ ચિમ્પ હું પોતે જ
છું.
કોઇ વાર વિચાર્યું
છે, પેલી જેનિફર એનિસ્ટન કે પેનેલપી ક્રૂઝ કે કેટ વિન્સલેટ કેટલા વર્ષની થઇ? તોય એમની પહેલી મૂવિમાં હતી એટલી જ યંગ અને
ચાર્મીંગ દરેક મૂવિમાં કેમ લાગે છે? હા, હેર કલર, ફેસ
લિફ્ટિંગ અને બોટોક્સ ટ્રિટમેન્ટ લેતી હશે, તો પણ મૂવિ બદલાય તોય ઉંમર કેમ બદલાતી
નથી? ડિજિટલ મેક-અપનો કમાલ છે. વધતી ઉંમરની નિશાનીઓ
કમ્પ્યુટર દૂર કરે છે. સ્કીનનો ગ્લો અને ટોન પણ બદલી કાઢે છે. રેડ કાર્પેટ પર
ચાલીને એવોર્ડ લેવા આવતી આ સુંદરીઓ એટલે જ ફંક્શનમાં અને ફિલ્મોમાં સ્વાભાવિક રીતે
જુદી દેખાય છે.
નવી હોલિવૂડ
ફિલ્મોમાં તો હવે સ્ટાર્સ ખાસ સિક્વેન્સ શૂટ કરવા જાય છે, બાકીનું કામ
ટેક્નિશિયનોની ફોજ કરે છે. મૂવિ મેકિંગ ટેક્નોલોજીમાં આવેલાં પરિવર્તનો અને તેમાં
થઇ રહેલાં રોજ નવાં સંશોધનોની મદદથી ઘણા સ્ટાર્સ પોતાની વ્યક્તિગત મેચ મૂવિંગ અને
મોશન કેપ્ચર લાયબ્રેરીની તૈયારી કરાવી રહ્યા છે. કમ્પ્યુટરે તો કેમેરા અને
કલાકારના શક્ય એટલા મોશન ઓપ્શન આપી દીધા છે. એટલે એસ્ટાબલિશ્ડ અને નવોદિત સ્ટાર્સ
માટે હવે ખરી ચેલેન્જ છે. કમ્પ્યુટર્સે ધારેલી, વિચારેલી સંભાવનાઓથી કંઇક અસંભવ
કરી બતાવવું. અભિનયની ક્ષમતાને નવા લેવલ પર લઇ જવી. સતત બદલાતી ટેક્નોલોજી
એક્શનમાં આવે ત્યારે એક્શનની પરિભાષા પણ બદલાઇ જાય છે.
હવે આ ત્રણેય
ટેક્નિકથી ચઢે એવી સાઉન્ડ ટેક્નોલોજીની વાત કરીએ. તમે કોઇ વાક્ય બોલો અને રેકોર્ડ
થાય મોર્ગન ફ્રીમેનના અવાજમાં! આ છે, નવી વોઇસ
ચેન્જર ટેક્નોલોજી. માન્યામાં ન આવે તો તમારા મોબાઇલની એપ્સ સાઇટ જોશો તો અનેક
વોઇસ ચેન્જર એપ્લિકેશન મળશે. સામી વ્યક્તિને ચકિત કરી દે તે હદે તમારો અવાજ એક
એપ્લિકેશન બદલી શકે છે. તેમાં ભારે સંશોધનો થઇ રહ્યાં છે. તકલીફ એક જ છે. કોઇ બે
વ્યક્તિનો અવાજ ભાગ્યે જ એક સરખો હોય છે. ગુસ્સો, ભય, આનંદ, દુઃખ જેવી સ્થિતિમાં
પણ અવાજ બદલાતો રહે છે. પરંતુ, સંશોધકો આશાવાદી છે.
ટૂંક સમયમાં મૂવિ
ડબિંગમાં પણ કોઇ પણ વ્યક્તિ કોઇ જાણીતા કલાકારનું ડબિંગ કરી શકશે. પછી તો, એમા
વોટ્સન પણ હુરતીમાં કહેશે, ‘મેં ટાં ગઇલી
ઉટી. પન ટેં આફા બી નીં મઇલો કે તીફા બી નીં મઇલો’. અચરજની જોક પર
કેફેમાં બધા ખડખડાટ હસી પડ્યા.
ટેક્નોલોજી તો
કહે છે, તમારી કોઇ બોડી મૂવમેન્ટ બધાથી અલગ હશે જેની કોપી શક્ય જ નહીં હોય, તો
આવનારા દિવસોમાં તમે ડિમાન્ડમાં છો બોસ. તમારી મોશન કેપ્ચર કોઇ સુપર સ્ટાર પોતાને
માટે ખરીદી લે તો નવાઇ નહીં!
Viral Mehta