17 જાન્યુઆરી, 2014

આવાં ભર્યાં રે જોબનિયામાં....(Hollywood Café 10)


આવાં ભર્યાં રે જોબનિયામાં....
બહેકી જવું જ્યારે સહજ લાગે. નજરનું મળવું કરોડો અબજ લાગે. જોડાજોડ તોય સો સો ગજ લાગે. નાસમજ થવામાં સાચી સમજ લાગે. જગત ભૂલવું પહેલી-આખરી ફરજ લાગે. બધા ધબકાર શહેનાઇની તરજ લાગે....
જિંદગીનો આ અજબ મુકામ છે, જ્યારે બધું સમજેલું ફોક લાગે છે. ન કદી જોયું જાણ્યું હોય તે સઘળું સમજાવા લાગે છે. આ એ અવસ્થા છે, જ્યારે જોબનિયું જિંદગી પર પહેલા હસ્તાક્ષર કરતું હોય છે. આમ તો રોજ માઇલોની મજલ એકલા કાપી નાખતી ભર જવાની, પ્રેમના અઢી પગલાંમાં કોઇનો સંગાથ વલખે છે. કવિવર શ્રી ભગવતીકુમાર શર્માએ તો બે જ પંક્તિમાં આવી કેટલીય દાસ્તાનો કહી દીધી છે.
આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે
;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
ઉત્તરાયણ પછી ચોમેર સંભળાતા બેન્ડ-વાજાં, પ્રણય ગીતની સૌથી અનોખી તર્જ છે. હોલિવૂડ કેફેમાં પણ આજે વિખ્યાત કલાકારોની જિંદગીનું ગમતું પાનું ખુલ્યું છે. કલ્પના બહારની સફળતા હાંસલ કરી ચૂકેલા આ એવા હોલિવૂડ સ્ટાર્સ છે, જેમના બેટર-હાફ, કોઇ સેલિબ્રિટી નથી. આ સ્ટાર્સ સફળતાના ગગનમાં ક્યાંક વિહરતા હતા અને સપનાં આસમાની મળી ગયા.
મારી પત્ની મારી સોલ-મેટ છે. એના વિના હું જિંદગીની કલ્પના પણ કરી શકતો નથી. પહેલી જ ફિલ્મમાં ટ્રીપલ ડેબ્યુ કરનાર એક કલાકારનું આ કથન છે. ૧૯૯૨માં એક ફિલ્મ આવેલી ગુડ વિલ હંટિંગ. ફિલ્મ સ્ટાર મેટ ડેમોનની આ પહેલી ફિલ્મ હતી. એમાં આ સુપર સ્ટારે એક સાથે ત્રણ ખાતાં ખોલ્યાં હતાં. અભિનેતા, વાર્તાકાર અને એવોર્ડ વિનર! ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે માટે એકેડેમી એવોર્ડ અને બેસ્ટ ફિલ્મ સ્ક્રીપ્ટ માટે ગોલ્ડન ગ્લોબ પણ મળેલો. મેટ પહેલી જ ફિલ્મથી હોલિવૂડના તખ્ત પર આવી ગયો હતો. અને પછી પૂછો શું થયું. મેટભાઇ ઉપડ્યા મિયામી બીચ પર શૂટિંગ કરવા. ફિલ્મનું નામ હતું સ્ટક ઓન યુપણ પોતે જ સ્ટક થઇ ગયા. લ્યુસીઆના બર્રોસો પર બરસી પડ્યા. લ્યુસીઆના મિયામીની કોઇ રેસ્તરાંમાં બાર ટેન્ડર હતી. મેટ-લ્યુસીઆના ૨૦૦૫માં પરણી ગયા. આજે એમના સંસારમાં ચાર વ્હાલી દીકરીઓનો કલશોર ગૂંજે છે.
કોઇવાર ફૂલોની દુકાનમાં ગયા છો? ત્યાં કોઇ હેન્ડસમ, કોઇ બ્યુટિફૂલ મળ્યું છે? પહેલી જ નજરમાં એને જોઇને લાગ્યું છે, આ બધા ફૂલો એને આપી દઉં? લોસ-એન્જલિસના એક સ્ટોક બ્રોકરને જોઇને એક બેહદ ખૂબસૂરત છોકરી એની પર ઓવારી ગઇ હતી. બંને કોઇને માટે ફૂલ ખરીદી રહ્યા હતા અને પ્રેમનો બાગ ખિલી ગયો. છોકરીને તો આખી દુનિયા ઓળખે છે. સુપ્રસિદ્ધ ડેસ્પરેટ હાઉસવાઇફ’ – માર્સિયા ક્રોસ. માર્સિયાને પેલો સ્ટોક-બ્રોકર એટલો ગમી ગયો કે, સામેથી પોતાનો મોબાઇલ નંબર આપી આવી, ને ભેગાભેગું દલડુંય દઇ દીધું. સ્ટોક-બ્રોકર ટોમ મહોનીએ પણ મોબતના માર્કેટમાં દિલની ડીલ કરી જ કાઢી. આજે માર્સિયાને પૂછો કે તારી ખૂબસૂરતીનું રાઝ શું, તો એ ખિલખિલાટ હસીને કહે છે, મારા મનનો માણીગર, મારો વર! એનો પ્રેમ મને કહેતો રહે છે કે મારે તો હંમેશા સુંદર જ લાગતા રહેવાનું.
હવે આ સાંભળજો. એક ભાઇ છે. એ જતા હતા બહારગામ. શેના માટે? તો ભૈ, એવોર્ડ લેવા. કયો એવોર્ડ? તો ભૈ, પ્રસિદ્ધ સેલો મેગેઝિનનો એવોર્ડ. શેના માટેનો એવોર્ડ? તો ભૈ, બેચલર ઓફ દ યરનો એવોર્ડ. અને ભૈ સાહેબે એવોર્ડની રાહ પણ ન જોઇ. ચાલુ પ્રવાસે જ એમણે દિલદારાને પ્રપોઝ કરી દીધું. આ છે, સ્ટાર ટ્રેક અને મ્યુનિકના જગપ્રસિદ્ધ સ્ટાર, એરિક બાના. ઓસ્ટ્રેલિયન ટીવી નેટવર્કની એક પબ્લિસિસ્ટ રેબેકા ગ્લીસનને ક્યાંક જોઇ તો એરિકનું હૈયું હાથ ન રહ્યું. આજે આ યુગલ બે સંતાનો સાથે મસ્તીથી લાઇફ જીવે છે. કોઇ પૂછે તો કહે છે, અમે એકમેકને દિવસ-રાત હસતા રાખવાની કસમ લીધી છે. હસતા-હસતા કહી દઉં, રેબેકા ત્યાંના ચિફ જજની જ દીકરી છે. વોટ અ જજમેન્ટ એરિક!
જો જો હોં, આ વાત તો એથીય રોમાંચક છે. એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. વચ્ચે બ્રેક પડે છે. સુઝેન નામની એક વેઇટ્રેસ કમ મેઇડ બધાને પાણી, ચા, રિફ્રેશમેન્ટ્સ સર્વ કરે છે. છોકરી ચપળ, હોંશિયાર, સૌમ્ય છે. મોહક સ્મીત છે. એક સુપર સ્ટારને એ ગમી જાય છે. એવો સુપર સ્ટાર જેનો આખો પરિવાર સિનેમા જગત સાથે જોડાયેલો છે. સુપર સ્ટાર હવે સુઝેનના ગળાડૂબ પ્રેમમાં છે. પણ કહેવાની હિંમત નથી. દસ દિવસના શૂટિંગ શિડ્યુલનો છેલ્લો દિવસ છે. હવે પ્રપોઝ નહીં કરે તો ફરી ક્યારે એને મળી શકશે? એ સવારથી હિંમત ભેગી કરે છે. સાંજના બ્રેકમાં ફરી સુઝેન કોફી સર્વ કરે છે. ઓસ્કર વિનર જેફ બ્રિજીઝનું દિલ આખું હોલિવૂડ સાંભળે એટલા જોરથી ધડકે છે. જેફ બધી જ હિંમત ભેગી કરી ઊભો થાય છે. સુઝેન ગેસ્ટનને પ્રપોઝ કરે છે.... અને જવાબ મળે છે ના. લગ્નના ૩૫ વર્ષે આજે બંને જણ આ વાત યાદ કરીને ખડખડાટ હસી પડે છે.
હું રોજ તને બતાવીશ કે, સારો પાર્ટનર એટલે શું, સારી વ્યક્તિ કોને કહેવાય. હું રોજ તને ખૂબ સાચવીશ. અને આ બધું હું એટલી બધું કરીશ કે તને એની આદત પડી જશે. કોઇ સુપર હીટ સ્ટાર સુંદરીને જો આવું કહો તો? તમારું શું થાય? કોની દેન છે, આવું કહેવાની? પણ આ તો, પ્રેમનો પરચમ છે ભાઇ! ખબર નહીં ક્યારે કોનામાં શું જિગર ફૂંકી દે? જીમ ટોથ નામના કોઇ એજન્ટે સ્ટાર સુંદરી રીઝ વિધરસ્પૂનને પ્રપોઝ કર્યું અને જવાબ હા મળ્યો. રીઝ અને રાયન ફિલિપ્સના લગ્નજીવનનો અંત આવેલો. હોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે પણ કોઇ સંબંધ ટકતો નહોતો. એવાંમાં એક પાર્ટીમાં જીમના કોઇ ભાઇબંધે નશામાં રીઝ સાથે બબાલ કરી. જીમે મામલો થાળે પાડ્યો અને બબાલ જિંદગીના કમાલમાં ફરી ગઇ. આજે બંને હેપીલી મેરીડ છે. રીઝ કહે છે, જીમે મને જે આપ્યું એ મેં સપનામાં પણ નહોતું ધાર્યું, એણે જે પ્રપોઝ કરતા કહ્યું એની મને ખરેખર આદત પડી ગઇ છે.
કાયમ યુથફુલ અને ગોર્જિયસ દેખાવાનું વરદાન લઇને આવેલી જુલિયા રોબર્ટ્સ એના જોબનિયાંનું રાઝ ખોલતાં કહે છે, એક સાદા સરળ માણસનો સ્નેહ અને ખુશમિજાજ સ્વભાવ મને હું છું તે રહેવામાં મદદ કરે છે. નસીબદાર છું, મને મારો પ્રિન્સ ચાર્મિંગ મળી ગયો. જુલિયા ધ મેક્સિકનમાં બ્રેડ પીટ સાથે શૂટિંગ કરતી હતી ત્યારે કેમેરા મેન ડેની મોડર સાથે પ્રેમમાં પડી. ત્યારે ડેની પરણેલો હતો અને જુલિયા બેન્જામીન બ્રેટની ગર્લ ફ્રેન્ડ હતી. ડેનીના ડિવોર્સનો કેસ પત્યો અને ૨૦૦૨માં જુલિયા સાથે લગ્ન કર્યા. આજે બંને એમનાં સંતાનો સાથે મૌજ કરે છે.
એક હેરી ભાઇના મિત્ર ગુમરનો અપાર્ટમેન્ટ ખાલી હતો. ગુમર પરદેશ રહેતો હતો. એટલે હેરીએ બહેન મેરિલ સ્ટ્રીપને મિત્રનો ફ્લેટ ખોલી આપ્યો. બન્યું એવું કે ગુમર દેશમાં પાછો ફર્યો અને ઘરે આવીને જોયું તો મેરિલ મળી. બસ ત્યારથી બંને સાથે છે. આયર્ન લેડી માટે એવોર્ડ લેતા મેરિલે કહ્યું પણ ખરું કે, ગુમરે મને જે આપ્યું છે એ સૌથી બેશકીમતી છે.  કોમેડિયન કોનન ઓબ્રાયન મોડી રાત સુધી લેટ નાઇટનું શૂટિંગ કરતો હતો ત્યારે એક એડ એજન્સીની કોપી રાઇટર લીઝા પોવેલને મળ્યો અને બંને પરણી ગયા. ગ્રેઝ એનોટોમિની સ્ટારલેટ એલન પોમ્પિયોને કરિયાણાની દુકાનમાં ક્રીસ આઇવરીનો ધક્કો વાગ્યો અને એ બંને પણ પરણી ગયા. હનિમૂન પરથી પાછા ફરીને જેસિકા ન્યૂ યોર્કમાં જૂતાંની દુકાનમાં ફરતી હતી અને સ્ટાર જેરી સાયનફિલ્ડ એના પ્રેમમાં પડી ગયો. આજે બંને મેરીડ કપલ છે.
લગ્નોની મોસમ પૂરબહારમાં છે. જો જો ક્યાંક કોઇ સ્ટારની નજર તમારા પર પડી જાય અને.... આવાં ભર્યાં જોબનિયાંમાં દિલના તાર ઝણઝણી ઊઠે.... અને મારી જેમ તમારુંય દિલ ગાઇ ઊઠે....
એ નજર મને ગમી ગઇ;
જે મળી જરા ને નમી ગઇ.
કહ્યું કાનમાં તે હવાએ શું?
કે ડાળીઓ સમસમી ગઇ....
Viral Mehta