15 નવેમ્બર, 2013

એક સમય – અનેક વર્તમાન (Hollywood Cafe 1)

એક સમય – અનેક વર્તમાન
દ્રશ્ય પહેલું
બંને તરફ ઊંચા વૃક્ષોની કતારો. એની ડાળેડાળે ટેકરીઓ પર ચઢ-ઉતર કરતું આકાશ. ઘેઘૂર અડાબીડ છતાંય પાંદડાંમાં ક્યાંક ખુલ્લી રહી ગયેલી જાળીઓ સંકોરતો નિરંતર કલશોર. અને પગથી પર ચાલતું એક નવપરણિત યુગલ. સૂરજે ગોરી યુવતીનો ચહેરો જોવા પવનને કીધું ત્યાં તો ડાળીઓ પોતે જ સમસમી ગઇ. માર્ગારેટની નીલી આંખોમાં સેંકડો કિરણો ચમકી ગયાં. 'દીસ ઇઝ માર્વેલસ, હોબ! બ્યૂટિફૂલ....', 'નોટ એઝ બ્યૂટિફૂલ એઝ યૂ, ગીગી'! હોબર્ટે પત્નીને હુલામણા નામે સંબોધી એક કૂણું પાન તેના ગાલ પર ફેરવ્યું અને પાન ગુલાબી થઇ ગયું. મંદ મંદ પગલે યુગલ ટેકરી ચઢી રહ્યું હતું ત્યાં ચીની ભાષામાં ગીત ગાતો એક ઘોડેસવાર સામેથી આવ્યો. મોટા સાહેબને જોઇ ખચકાયો. ગભરાયો. રોકાયો. અટપટી ચાઇનીઝ જબાનમાં કંઇક બોલ્યો 'હોલીવૂડ'. 'વ્હોટ'? હોબર્ટે પૂછ્યું. 'હોલીવૂડ', પેલાએ ખચકાઇને ફરી કહ્યું. યુગલ એકબીજા સામે હસી રહ્યું. 'નાઇસ નેમ'? ગીગીએ કહ્યું. 'હા, હોલીવૂડ, મારા આગામી વિશાળ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નામ એ જ રાખીશું'. અને હોબર્ટ જ્હોનસ્ટોન વ્હિટલીએ લોસ એન્જેલિસ, કેલિફોર્નિયા પાસેની ગિરિમાળાના ૫૦૦ એકર વિસ્તારમાં હોલીવૂડ લેન્ડનો પાયો નાખ્યો.
દ્રશ્ય બીજું
સોળ-સત્તર વર્ષના યુવાને ટોલ્સ્ટોયનું પુસ્તક પૂરું કર્યું. દીવાની આંચ ધીમી કરી. ભાઇ લક્ષ્મીદાસના ઓરડા તરફ જોયું. ગઇકાલે ભાઇની બાજુમાં બેસીને ફોટો પડાવવાનો પ્રસંગ યાદ આવ્યો. મોહનના શરમાળ ચહેરે સ્મીતની આછી લકીર આવીને શમી ગઇ. હમણાં જ તેડાવેલી કસ્તુરબાઇના પગેથી સરકી ગયેલી ચાદર સરખી કરી. પોતે બાજુની પથારીમાં લંબાવ્યું. પહેલું સંતાન જન્મ્યા પછી થોડા દી'માં જ ગુમાવ્યાનો વિષાદ ઊંઘમાં પણ પત્નીના ચહેરે દેખાતો હતો. પોરબંદર રજવાડાના દીવાન, પિતા કરમચંદ પણ સ્વર્ગવાસી થયા હતા. હવે વકીલાત ભણવા વિલાયત જવું એ જ માત્ર લક્ષ હતું. મોહનથી મહાત્મા તરફની સફરનું એ પહેલું કદમ હતું.
દ્રશ્ય ત્રીજું
ઇંગ્લેન્ડના લીડ્સમાં આવેલા રાઉન્ડહેમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. 'કાસ્ટ રેડી.... રોલ કેમેરા.... એન્ડ એક્શન....' લુઇ પ્રિન્સના આદેશથી બેએક મહિલાઓ અને એટલા જ પુરુષો અગાઉથી નક્કી કરેલી દિશામાં ચાલ્યા. વિશ્વની સૌથી પહેલી માત્ર 2.1 સેકન્ડ્સની મોશન ફિલ્મ 'રાઉન્ડહે ગાર્ડન સીન' પેપર ફિલ્મ પર રેકોર્ડ થઇ. એ સાથે જ પહેલો મોશન પિક્ચર સિંગલ લેન્સ કેમેરા અસ્તિત્વમાં આવ્યો.
આ ત્રણેય દ્રશ્યો લગભગ એક જ કાળખંડમાં અલગ અલગ સ્થળે રચાયાં હતાં. એચ.જે. વ્હિટલી કેનેડામાં જન્મેલા એક વિખ્યાત લેન્ડ ડેવલપર હતા. સન ૧૮૮૬માં એમણે કેલિફોર્નિયાની ટેકરીઓ પર મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો. તેમાં વિશાળ કોલોનિયલ વિલાઓ, બેન્ક અને હોલીવૂડ હોટેલનું સર્જન કર્યું.
હોલીવૂડમાં બનેલી પહેલી ફિલ્મ માત્ર 17 મિનિટની સાયલેન્ટ ફિલ્મ હતી. તેના સર્જક ડી. ડબ્લ્યુ. ગ્રિફિથ હતા. ફિલ્મની કથામાં કેલિફેર્નિયાના મેક્સિકન યુગના ભાવના પ્રધાન દ્રશ્યો હતા. ફિલ્મનું નામ હતું, 'ઇન ઓલ્ડ કેલિફોર્નિયા'. ૧૯૧૦માં બનેલી આ ફિલ્મ ક્યાંક ખોવાઇ ગઇ હતી. ખાસ્સા વર્ષો સુધી ઓસ્કર અને સેસિલે ૧૯૧૪માં બનાવેલી ફિલ્મ 'દ સ્ક્યુ મેન' ને હોલીવૂડની પહેલી ફીચર લેન્થ ફિલ્મ માનવામાં આવતી હતી. પરંતુ, ગ્રિફિથની ફિલ્મની મળી આવી અને તેનું પહેલું જાહેર સ્ક્રીનિંગ ૯૪ વર્ષ બાદ ૨૦૦૪ના બેવરલી હિલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું.
૧૮૮૬માં ભાઇ લક્ષ્મીદાસ સાથે ગાંધીજીની તસવીર લેવાઇ ત્યારે મોશન ફિલ્મોની શરુઆત થઇ નહોતી. એ ૧૮૮૮માં લૂઇ પ્રિન્સે કરી. ૧૮૮૦નું દશક સમયના આ ત્રણ મહત્ત્વનાં વર્તમાનનું સાક્ષી છે. એ દશકમાં જ આ ત્રણ મહાવર્તમાનનો પાયો નંખાયો. હા, મહાવર્તમાન. અમેરિકામાં વિશ્વની સૌથી વિશાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોલીવૂડનું નિર્માણ. તેના સર્જક વ્હિટલી, ફાધર ઓફ હોલીવૂડ તરીકે પ્રસિદ્ધ છે. પોરબંદરના મોહનદાસ વિલાયત વકીલાતનો અભ્યાસ કરવા ગયા. તેમને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ. અને ઇંગ્લેન્ડમાં ઇસ્ટમેન પેપર ફિલ્મ પર પહેલી મોશન ફિલ્મ બનાવનાર લૂઇ પ્રિન્સ, ફાધર ઓફ સિનેમેટોગ્રાફી તરીકે ઓળખાય છે. આ ત્રણેય મહાવર્તમાન આજેય ચિરંજીવ છે.
દ્રશ્ય નિરંતર
દોસ્તો, આજથી આરંભાતી આપણી હોલિવૂડ સફરમાં આપણે ફિલ્મો, નિર્માતાઓ, સ્ટોરીલાઇન ઉપરાંત કંઇક અલગ વાતો કરીશું. હોલી અને બોલી વચ્ચે કેટકેટલા વૂડ્ઝના ફાંસલા છે એની તો ખુલ્લા મોંઢે ચર્ચા કરીશું. હોલીવૂડની કેટલીક જાણી-અજાણી અજબ-ગજબ વાતો પણ છે.
૧૯૦૪માં હોલીવૂડની વોટર્સ કમ્યુનિટીએ ૯૪ વિરુદ્ધ ૧૧૩ના બહુમતથી એક ઠરાવ પસાર કર્યો. દારુબંધીનો. હા, માત્ર તબીબી ઉપયોગ સિવાય આલ્કોહોલના વેચાણ પર સદંતર પ્રતિબંધ.
શુક્રવારે ફિલ્મ રીલિઝ કરવાનો શિરસ્તો પણ હોલીવૂડથી શરૂ થયો. (આપણે તો કારણ જાણ્યા વિના માત્ર કોપી મારી છે). તેની પાછળ એક મહત્ત્વનું કારણ એ હતું કે પહેલા અમેરિકામાં વીકલી પગાર આપવામાં આવતો. શુક્રવાર પગારનો દિવસ રહેતો. ત્યારબાદ શનિ, રવિની રજા આવે. એટલે ઓડિયન્સ મળી રહેતું.
હોલીવૂડની સૌપ્રથમ કેમેરા વિના બનેલી ફિલ્મનું નામ છે ધ ટોય સ્ટોરી. આ ફિલ્મ સંપૂર્ણપણે કમ્પ્યૂટર પર તૈયાર થઇ હતી. સ્ક્રીન પર દેખાતી એક સેકન્ડની સિક્વેન્સ જનરેટ થાય તે માટે એક અઠવાડિયાંનો સમય લાગતો. આ ફિલ્મ માટે ૮૦૦૦૦૦ કલાકના મેથેમેટિકલ ઇક્વેશન તૈયાર કરવા પડ્યા હતા. (જો બોસ, આપણે બોલીવૂડની કમ્પેલેન નહીં કરવાની).
ઇટ હેપન્ડ વન નાઇટ ફિલ્મમાં સુપર સ્ટાર ક્લાર્ક ગેબેલને બનિયાન વિના (ટોપલેસ) બતાવવામાં આવ્યો ત્યારે અમેરિકાના હોઝિયરી માર્કેટના ગાભાડૂચા નીકળી ગયેલાં. પોતાના પતિ માટે મહિલાઓએ બનિયાનની ખરીદી બંધ કરી દીધી હતી. આ હકીકત છે. ક્લાર્ક એટલે દુનિયાએ સ્ક્રીન પર જોયેલો પહેલવહેલો ટારઝન પોતે. એના જેવો મસ્ક્યુલર સ્ટાર બીજો કોઇ થયો નથી. (એમાં તમારે જીમમાં વધારે બાયસેપ મારવા નહીં, ગોટલા ચઢી જશે તો રોટલા નહીં ખવાય).
સાવ કંઇ એવું નથી હોં. મોશન પિક્ચર અસોસિએશન ઓફ એમેરિકાવાળા પણ કોઇકોઇ વાર ફિલ્મોને એડલ્ટ જાહેર કરતા હોય છે. ૧૯૬૮માં બનેલી રોબર્ટ ડી નીરોની ફિલ્મ ગ્રિટિંગ્સ અમેરિકાની પહેલી એક્સ રેટેડ ફિલ્મ હતી. એમ કરવા પાછળનું કારણ, એમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ (સરકાર, સિસ્ટમ વિરુદ્ધ)ની વાત હતી. (જે મિત્રો અન્ય કોઇ કારણસર ગૂગલ પર સર્ચ કરવા મંડ્યા હોય એમને કંઇ જ નહીં મળે).
૧૯૬૮માં જ બનેલી પ્લેનેટ ઓફ એપ્સ ફિલ્મનું મેક-અપ બજેટ એ જમાનામાં એક મિલિયન ડોલર હતું. જો કે, ફિલ્મની કુલ પ્રોડક્શન કોસ્ટનો તે માત્ર ૧૭ ટકા જ ટકો કરતું હતું. છતાંય આજે પણ સૌથી વધુ મક-અપ ખર્ચ ધરાવતા મૂવી તરીકે પ્રસિદ્ધ છે. (એમને આપણે ત્યાં મેરેજના મેક-અપ બજેટની ક્યાં ખબર છે? હું કન્યાના મેક-અપ બજેટ સુધી તો જતો જ નથી).
ચલો ત્યારે આવતા અંકે ફરી મળીશું, હોલીવૂડની નવી રોમાંચક હકીકતો સાથે. ત્યાં સુધી.... ઘારી, નાનખટાઇ ખાવ!
Viral Mehta