ઓહ,તમે તો અહીં છો! તો ઘેર કોણ હતું?
બારણું. બ્રિજ. બસ. બુલેટ ટ્રેન. બોઇંગ પ્લેન. એકથી બીજે સ્થળે લઇ જતી દરેક રચના.
ખાલી મકાન. યુદ્ધ ભૂમિ. સ્પેસ શટલ. વહેલી સવારનું ઝાકળ. એનું પણ એવુંજ. ઉતાવળ ન
કરો. સીધાચોથો પૅરેગ્રાફ જોતા નહીં. ત્યાં કંઇ નહીં મળે. જે છે, તે આ રહ્યું. ત્યાં
બારણે જુઓ તો? છે કોઇ?ઘરના લોકો નહીં. એ સિવાય કોઇ. એ જ તકલીફ. કોઇ નહીં દેખાય. એટલે
તમે માનશો કોઇ નથી. પણ છે.
લોકોની અક્કલ. નજર. શ્રુતિ. કલ્પના. જ્યાં પહોંચી. હવે પછી પહોંચશે. તો પણ
નહીં દેખાય. સદીઓ પહેલા લોકો માનતા. પૃથ્વિ સપાટ ચોસલો છે. સાચું પડ્યું? કોણે કીધું ધરતી ગોળ છે?તો શું નથી?એના તો પુરાવા છે. ઉપગ્રહોની તસવીરો. ઓ હલો....!એ તો અત્યારના જ્ઞાનીઓ. વિજ્ઞાનીઓ. આપણી નજરનો આભાસ. નજર જ એવી
મળી છે આપણને. એટલે ગોળ દેખાય. અસલમાં અલગ પણ હોય. દેખાય એવુંજ હોય. ના દેખાય એ ના
હોય.એવું બિલકુલ ના હોય. બારણા પાસે ક્યાં કોઇ દેખાયું? એટલે નથી, એમ? ભૂલ કરો છો! તમારી સાથે જ છે.એકાદ
નહીં. ઘણા બધા.
તે દિવસે બ્રિજ પરથી નીકળેલા. યાદ છે? ચાલતા. ઝડપથી.
સામે પહોંચ્યા. તમને ખબર નહીં હોય. ત્યારે કંઇક થયેલું. બરાબર અધવચ્ચે પહોંચ્યા હશો.
ને તમારામાંથી કોઇ નીકળેલું. તમે પોતે જ. એક તમે સામે પહોંચ્યા. બીજા તમે પાછા
ફર્યા. ઘેર. આવી ગયા? બહુ વાર કરી. ક્યારના
બધા રાહ જુએ છે? મહેમાનો આવ્યા. ઍનિવર્સરી
ઉજવી. બ્રિજના પેલા છેડેપણ તમે જ. ત્યાંથી સ્ટેશન.આવી ગયા?બહુ વાર કરી.ક્યારના
બધા રાહ જુએ છે? ટ્રેન આવી. ઉપડ્યા
પ્રવાસે. ઍનિવર્સરી સેલિબ્રેશન!બંને બાજુ તમે જ. એમાંથી
એકની જ તમને ખબર. પેલા બીજા તમે ખરાને? એ પણ તમને ના ઓળખે. તમે પણ
એમને ના જડો.
અંહંહંહં.... ડોન્ટ જમ્પ ટુ કનક્લુઝન્સ. ભૂત. હૉરર. પુનર્જન્મ. ના. આ જરા અલગ
વાત છે. એક છોકરીની વાત કહું. જૉબ ગઇ. દાઝ. ચીઢ. હતાશા. સ્ટેશન પહોંચી. ભાગતી
દોડતી. ટ્રેન નીકળી જ ગઇ હોત. પણ પહોંચી ગઇ. એમાં એક યુવક મળ્યો. સામાન્ય વાત થઇ. દેસી
ઇંગ્લીસમાં કહું તો, હાય હલ્લો થયું. છોકરીને સારું લાગ્યું. દોસ્તી જેવું થયું. સ્ટેશન
આવ્યું. ઘેર પહોંચી. બીજો ફટકો. બૉયફ્રેન્ડ. બીજી છોકરી સાથે. ઊભાઊભ નીકળી ગઇ
ત્યાંથી. ફ્રેન્ડ સાથે રહેવા ગઇ. પેલો ટ્રેનવાળો દોસ્ત. ફરી મળ્યો. ફરી ફરી મળ્યો.
બંને ખૂબ હળ્યા મળ્યા. અને પ્રેમ! નો વે.... ફરી આટલું જલદી? નથી પ્રેમમાં પડવું. ત્યાંખબર પડી. પ્રેગ્નેન્સી. હવે? દોસ્તની ઑફિસમાં.સેક્રેટરી મળી. એણે કીધું. દોસ્તાર તો
પરણેલો હતો!વન મૉર ઝટકા. પણ ફ્રેન્ડ જુઠ્ઠો નહોતો. સાચો
પ્રેમ કરતો’તો. પરણેલો ભલે હતો. ડિવૉર્સ લેવાનો હતો. ફરી ‘આઇ લવ યુ’.‘બાઇ લવ યુ’ થયું. ઑફિસમાંથી મેઇન
રોડ પર આવી. કારની હડફેટે ચઢી. સીધી હૉસ્પિટલ ભેગી.
સીન જરા રીવાઇન્ડ કરીએ. છોકરી ભાગતી દોડતી સ્ટેશન પહોંચી. અને ટ્રેન નીકળી ગઇ.
ત્યાંથી મેઇન રોડ પર આવી. કારની હડફેટે ચઢી. સીધી હૉસ્પિટલ ભેગી. પ્રેગ્નેન્ટ હતી.
પણ ટ્રેન તો ગઇ. દોસ્તાર મળ્યો જ ક્યાં?તોય પ્રેગ્નેન્ટ? કેમ, બૉયફ્રેન્ડ તો હતો જ ને? હા, પેલો ફ્રૉડ.
આ એનું સંતાન. ઍની ગૅસીસ? એક જ છોકરી. બે અલગ
વર્ઝન. એકમાં બૉયફ્રેન્ડના સંતાનની માતા. બીજામાં સાવ નવા જ માણસના સંતાનની માતા.
બનશે? હાલ તો બંને એક જ હૉસ્પિટલમાં પહોંચી છે. સ્ટ્રેચર
પર છે. બારણાં ખૂલે છે. ‘સ્લાઇડિંગ ડોર્સ’. ૧૯૯૮ની ફિલ્મ. ડિરેક્ટર પિટર હોવિટ. પેરેલલ યુનિવર્સ. થથરી
જવાય એવું સત્ય. સમાન્તર જગત. આપણી સાથે જ વસતી. આપણા જેવી જ હસ્તી. પુરાવા સાથે. જુઓ
બારણાં પાસે હવે....
ઍનીવેઝ. એક અગત્યની વાત. ખાલીખમ્મબિલ્ડિંગ્સ જોયાં છે?અંદર જતા નહીં
હોં!આવાં મકાનોબીજા વિશ્વનો દરવાજો હોય. નથી ઘણા
ગુમ થતા? કોઇ પત્તો ના મળે. એવું જ થયેલું. બે સગા ભાઇ.
એમના પિતા ગાયબ. ત્રીજો ભાઇબંધ મળ્યો. શોધવા નીકળ્યા ત્રણેય. ખાલી બિલ્ડિંગ જોયું.
અંદર ગયા. ફાધર કદાચ આમાં હોય તો?ને ત્રણે ગુમ. બિલ્ડિંગમાં
આખું નવું જગત. મોટી સડકો. ઊંચાં મકાનો. ફરતા હતા. ને ગોળીઓ ફૂટી બૉસ! વેલા-ઠેલા-ભટકેલાને તરત ભડાકે દે. ત્રણે ભાગીને ફરી
બિલ્ડિંગમાં. એ તો એક છોકરી સારી મળી. ચેતવી દીધા. અહીંયા લોકો જોડે વાતો કરવામાં
માલ નથી. જાવ લપાઇને સૂઇ જાવ ચૂપચાપ. ટાઇમ આવે ત્યારે બહાર આવજો. ટાઇમ? શેનો ટાઇમ?બીજી રૅન્ડમ દુનિયામાં
જવાનો. તો પેલી અમે આવેલા તે?એને દુનિયા કહો છો?જ્યાં માણસ માણસને ગોળી મારે? એ તો દોઝખ કહેવાય.
તો એનાથી અલગ. છે કોઇ બીજી દુનિયા? હા, ‘પેરેલલ્સ’. આ જ વર્ષે આવી. ડિરેક્ટર
ક્રિસ્ટોફર લિઓને.સમાન્તર વિશ્વનું વધુ એક પ્રકરણ ખોલે છે.
આપણી લાઇફ છેને બૉસ!ઉતાર ચઢાવ વગેરે. એ સળંગ
નથી.સમાન્તર છે. વૉટ? એ વળી શું? એક રિચ મૅનની વાત કહું. સવારેજાગ્યો. મોબાઇલ જોયો. વર્ષો
પહેલા એક ગર્લફ્રેન્ડ હતી. એના મિસ્ડ કૉલ્સ. છોડને યાર. આને ક્યાંહવે? ઇગ્નૉર કર્યું. તૈયાર થયો. સ્ટોરમાં ગયો. એક ભિખારીને લૉટરી
લાગેલી. બસો ડૉલર્સ. કાઉન્ટરવાળો ના માને. ભિખારીએ તો તમંચો કાઢ્યો. તાકડે આ રિચ
પાર્ટી પહોંચી. લાવ ટિકિટ. લે બસો ડૉલર્સ. મામલો થાળે પાડ્યો. ભિખારીએ બહાર જતા
પૂછ્યું. શાનું કામકાજ?કંઇ ખૂટે જિંદગીમાં? ઓત્તારી!તું મને પૂછે’છ? ના, ભૈ હોં.તું તારું કામ
કર. મારી પાસે છે. બધું જ. ને ધારું એ મારું. એટલી તાકાત. તું જા હવે. રિચ મૅન ઘેર
આવ્યો. આલિશાન બેડ પર લાંબો થયો. સવારે જાગ્યો. તો શહેરના સાધારણ વિસ્તારમાં.
સાધારણ ઘરમાં. પત્ની, યસ, પેલી ગર્લફ્રેન્ડ. અને બે બાળકો. આ વળી શું છે? માંડ ત્યાંથી છૂટીને ભાગ્યો. ગયો. એનાપોતાના વિશાળ આવાસ,
ઑફિસ બાજુ. કસ્સમથી સાહેબ ને મૅડમ. કોઇ ઓળખે નહીં એને ત્યાં. મિત્રો પણ નહીં. આવું
કેવુંયાર?ત્યાં ફરી પેલો ભિખારી મળ્યો. હવે દેખો તમાશો. ભિખારી
રિચ મૅનની ફરારીમાં બેઠેલો. ઊભો રહ્યો. પૂછ્યું એને.આ શું થયું મારી સાથે યાર? ઝલક મળી તને. તારી સમાન્તર જિંદગીની. બીજી લાઇફ. એમાં તું
સાધારણ માણસ. નહીં સત્તા. નહીં મત્તા. છતાં પત્ની સંતાનોના પ્રેમની અખૂટ સંપત્તિ. ‘ધ ફૅમિલી મૅન’. ૨૦૦૦માં બ્રૅટ રેટનેરે
બનાવી.
યસ, આવું શિફ્ટિંગ થાય. લાઇફ અચાનક પલટી મારે. સમાન્તર જિંદગીમાં સરી જવાય. તમને
ખ્યાલ પણ ના રહે. ત્યાં બારણેથી કોઇ તમારી લાઇફમાં. ને તમે એની. એ જ ઘર. એ જ
પરિવાર. જરા અલગ ઍંગલ સાથે. ત્રણ મિત્રો હતા. મૅરીડ. મસ્ત લાઇફ. વિથ વાઇફ. પાર્ટી
રાખી. એકની પત્નીના મોબાઇલમાં સિગ્નલ ગયું. ડિસ્પ્લે લબૂક-ઝબૂક. છેવટે બંધ. એક પછી
એક બધા ફોન બંધ. લે, હવે પાવર પણ ગયો. મીણબત્તી સળગાવી. બે મિત્રો બહાર નીકળ્યા.
આસપાસ ક્યાંક ફોન ચાલુ હોય તો.... ત્યાં બે મકાન છોડીને અજવાળું જોયું. ચલ ત્યાં જઇએ.
બારીમાં જોયું. અરે? જે પાર્ટી, ડિનરમાંથી
બહાર આવેલા. એ ત્યાં પૂરા રંગમાં ચાલુ હતી. ગેમ રમતા હતા. એ જ ત્રણ ને એમની
પત્નીઓ. એમના બીજા સ્વરૂપો. સાવ નજર સામે. અંદર જવા ઝાંપો ખોલ્યો. પણ ઝાંપાથી
વરન્ડા સુધી અંધારું ઘોર. કદી જોયું નહોતું એવું. આગળ રસ્તો છે કે નહીં. સમજાય
નહીં. ધારીને જોયું તો એ એમનું જ ઘર હતું. આટલી સુસંગત હોય સમાન્તર જિંદગી. આટલી
નજીક? ‘કોહેરન્સ’. ૨૦૧૩ની ફિલ્મ. ડિરેક્ટર
જેમ્સ વાર્ડ બીર્કિટ.
વિચારો હવે. તમે જ. જીવતા જાગતા. તમારી સામે આવીને ઊભા રહો તો? તો શું થાય?એક વાર કલ્પના તો કરી
જુઓ. એક ખરો કિસ્સો કહું. અમેરિકાની લેરિના ઘેરથી નીકળી. વળીને જોયું તો એ જ ઘર પણ
એનું નહોતું. પાર્કિંગ લૉટમાં ગઇ. કાર ત્યાં જ હતી. એ પણ એની નહીં. ઑફિસ પહોંચી. બિલ્ડિંગ
એનુંએ જ. છેલ્લા ૨૦ વર્ષથી ત્યાં જૉબ કરે. અંદર ગઇ. ચોથા માળે એનું ડિપાર્ટમેન્ટ.
પણ આજે ત્યાં સાવ જુદું પાટિયું.મહામહેનતે પોતાનું ડિપાર્ટમેન્ટ શોધ્યું. અંદર ગઇ.
ટેબલ સુધી જઇ ના શકી. એની ડેસ્ક ઉપર એ પોતે જ હાજર હતી. કામમાં
મશગૂલ. હું તો અહીં છું. તો એ કોણ? આ સાચો કિસ્સો છે. વર્ષો
પહેલા ટોકિયોમાં આવું થયેલું. એક શંકાસ્પદ માણસ પકડાયો. પાસપોર્ટ તપાસ્યો. માનશો? ધરતી પર નથી. એવા દેશનો પાસપોર્ટ હતો.હા, બિલકુલ વેલિડ
પાસપોર્ટ.
મિરર અર્થ. સમાન્તર જગત. પેરેલલ અથવા ઑલ્ટરનેટ યુનિવર્સ. એનો પહેલો વિચાર.
હ્યુ એવર્ટ III નામના એક રીસર્ચરને આવેલો. ૧૯૫૪માં. પ્રિન્સટન
યુનિવર્સિટીમાં પીએચડી કરતા. ક્વૉન્ટમ ફિઝિક્સમાં સમાન્તર જગતના ઘણા પુરાવા છે.તમે
પણ છો. અને તમારી સમાન્તર હસ્તી.એપણ ત્યાં જ છે. બેડરૂમ. બાથરૂમ. બધે. ધ્રૂજારી થઇ? વાત જ એવી છે. સપનાં મોટા ભાગે યાદ ના રહે.ઊઠતા વેંત ભૂલી
જવાય. પણ કોઇક વાર આખેઆખું યાદ રહે. હેંને? એને પણ લોકોપેરેલલ
જગતના ટકોરા માને છે. કોઇ સંકેત આપે છે. કદાચ તમારું બીજું સ્વરૂપ. તમે એને જુઓ તે
પહેલા.તમને જોઇ ગયું હોય? કદાચ તમને મળવા માગતું
હોય. જો મળી જાવ તો? યાદ કરજો મને. તમે તમને મળોત્યારે!
Viral Mehta