‘મને ડર નથી’! કોઇ કહે તો ખરું?
બીક કાચાંપોચાંને ના લાગે. ડરવા માટે તાકાત
જોઇએ. ગભરાટ પામવો, જેવાતેવાનું ગજું નહીં. ડર જિંદગીનું એકમાત્ર સનાતન સત્ય. સત્ય
સ્વીકારવું પાલવે નહીં. કોઇને નહીં. સૌ પોતપોતાનો ડર હિંમતથી શણગારે. બાહોશ. નીડર.
નિર્ભય. બહાદૂરી. એવા એવા શબ્દો. કોઇ મતલબ ખરો? ઢાંકપીછોડાનો? બે ઘડી ચલો, માની
લો. આપણે ડરતા નથી. તો કમ્પાઉન્ડમાં ચોકીદાર શા માટે? બૅન્કમાં લૉકર.
હથિયાર. લશ્કર. એ શું? ચલો એની વાત બાજુ પર. સાથ. સધિયારો. સંગઠન. કે પછી, પરિધાન. પગરખાં. હૅલ્મેટ.
શા માટે? એને પણ ફીલિંગ્સ. ઇમોશન. સ્ટાઇલ. ફૅશન. મૉડર્નિઝમમાં ખપાવો. પણ જેને જોયા વિના
બહાર જવું અસંભવ. પોતાની ઓળખ અસંભવ. ‘હું’ એટલે આ. આ જ. આ સિવાય બીજું કોઇ નહીં. સતત
જોઇતી એ ખાતરીનું શું? કબાટ, ભીંતે ટાંગેલા અરીસા. જુઓ છોને? એ જ ભય. સૌથી મોટો ભય.
પલંગ નીચેથી કોઇ આવશે. રાતે તીણી ચીસ સંભળાશે. ભય
લાગ્યો? ના. એમ તો કોઇ ના
ડરે. બીજાથી તો ક’દી નહીં. બહારનો
ભય. જરાય નહીં. ભગવાનનો ભય તો વાતોની વાત. એનાથી ગભરાય છે કોણ? ખરો ગભરાટ તો અંદરનો. દરેક
જણ પોતાની જાતથી ડરે. થરથર કંપે. એ કંપ અજંપ સંતાડવા બધી સાઠમારી. એટલે કે દુનિયાદારી.
એટલે કે ભૂતાવળ. દરેક ચીજ, સ્થિતિ, નિર્માણ. માનવસર્જિત હોય તો બેશક. ડરનું
પ્રતીક. જરા ઠંડા કલેજે વિચારજો. એ જ એકમાત્ર સત્ય લાગશે. એટલે જ તો પહેલા કીધું. બીક
કાચાંપોચાંનું ગજું નહીં. ડર સ્વીકારવા હિંમત જોઇએ. માની લો હવે. તમે ભયભીત છો. ભલે
હસી કાઢો. દાઝ કાઢો. ચીઢાઇ જાવ. ગુસ્સે થાવ. ગમે તે કરો. હકીકત જાહેર થાય ત્યારે
એમ જ થાય. મેં તો ખરેખરું કહી દીધું. ધ્રૂજી રહ્યા છો તમે. થથરે છે. આ વાંચનાર દરેક
જણ. નહીં વાંચનાર પણ. આગળની દરેક લાઇનથી. રખેને એમાં નવો ભેદ ખૂલ્યો તો? એમ જ થશે. આજે તો ‘ફ્રાઇડે ધ થર્ટિન્થ’. આજે માનવ નિર્મિત બધું
જ ભયનું નિમિત્ત.
અરીસો. આયનો. ચાટલું. મિરર. બહુ ભેદી જગા.
તદ્દન છેતરામણી. સૌથી પહેલા અરીસો ક્યારે જોયેલો? વર્ષો થયાંને? છેલ્લે ક્યારે જોયો? ગઇકાલે? હમણાં? ફરક લાગ્યો? વર્ષો પહેલાં જોયા હતા એ
જ તમે. તમને ફરી દેખાયા. તે તમે માની પણ લીધું. એ તમે જ છો? પહેલીવાર જોયા.
ને હમણાં જોયા. એમાં આભ-જમીનનું અંતર. ચહેરો સાવ બદલાઇ ગયો. તેમ છતાં. તમને કોઇ
ફેર દેખાયો નહીં? બસ, એ જ અરીસાનું કરતૂત. ઇગ્નોરન્સ.
બેદરકારી. થાબડી-થુબડીને જડતા સુધી પહોંચાડે. તમે તમને જ અવગણી કાઢો. તમે જ
તમારાથી. ટેકન ફૉર ગ્રાન્ટેડ. આયનાનું કારસ્તાન. એનો ભરોસો ના કરવો. છેવટે.
ઘણીવાર. એની સામે રહો તોય. અરીસો ના જુઓ. એમાં વળી શું જોવાનું? ખલાસ! ત્યાં જ ચાટલું
ચાળો કરી જાય. તમે ભલે ન જુઓ. તમારી ગૅરહાજરીમાં પણ. અરીસો તો સતત જોતો જ રહે. જોયેલું
સંઘરી, સંતાડી રાખે.
મિરર જેટલો જૂનો એટલા વધારે ભેદ. અખતરો કરવા
જેવો નથી. ગૅરહાજરીમાં. એની ઍક્ટિવિટી તપાસવાનો. યુવાનો કોઇનું માને? ઉપરથી, ફિલ્મ
ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ. ઇ-બે, સાઇટ ઉપરથી એક જૂનો મિરર ખરીદ્યો. વિક્ટોરિયન
યુગનો. રૂમમાં ગોઠવ્યો. ચારે બાજુ કૅમેરા ગોઠવ્યા. સ્પર્ધા જીતવા. પૅરાનૉર્મલ ચેલેન્જ.
૧ મિલિયન પાઉન્ડ. ને પછી.... રાતે એ રૂમનો દરવાજો બંધ. બે જણ બહાર. ત્રીજો અંદર. અરીસા
સામે. સામાન્ય સંજોગોમાં. તમે કરો એમ તમારું પ્રતિબિંબ કરે. ને અહીં.... બિલકુલ અવળું. પ્રતિબિંબના
તમે ગુલામ. પ્રતિબિંબનું અનુકરણ. હાથમાં લાંબી છરી. આંખ સુધી લઇ ગયો.... અને.... ચોખ્ખી
ના પાડેલી. ડોન્ટ લૂક. ‘ધ મિરર’. ૨૦૧૪ની ફિલ્મ. રાઇટર,
ડિરેક્ટર ઍડવર્ડ બોઝ. મિરર સામેના કૅમેરામાંથી મળેલા દ્રશ્યોનું સંકલન. કોઇથી ન
ડરે. એ પોતાની જાતથી થથરે. જોઇને ખાતરી કરી લો એકવાર.
પતિ પત્ની. દીકરો દીકરી. પતિ સૉફ્ટવૅર
એન્જિનિયર. ભૂત ભ્રમણાને ઘોળી પીવે. હસી કાઢે. નવા મકાનમાં શિફ્ટ થયા. નવી નક્કોર
આધુનિક સજાવટ. સરસ એન્ટિક મિરર લીધો. ઘરમાં જ ઑફિસ હતી. એમાં ગોઠવ્યો. મસ્તીથી
રહેતા’તા. નૉર્મલ લાઇફ. ઍબનૉર્મલ
થતી ગઇ. એક પછી એક વસ્તુ ગયબ. પ્લાન્ટ્સ કરમાય. પાળેલો શ્વાન. ઑફિસમાં બેઠેલો. ગુમ
થયો. છેવટે અનાજ પાણી ખતમ થયાં. મા-બાપનું વર્તન બદલાવા લાગ્યું. બંનેનું ભેજું ચસકી
ગયું. કારણ પેલો અરીસો. એની સામે આખો દેખાવ તરડાઇ જતો. પ્રતિબિંબ પીગળી જતું. નસીબજોગે
બાળકોને એટલી અસર થઇ નહોતી. એમણે પડોશીઓને વાત કરી. કોઇ માનવા તૈયાર નહીં. ને એ
રાતે. મા-બાપ. બાળકો સામે. ગન તાકીને. કહે છે, ત્યારે જ પત્નીને થોડું ભાન આવેલું.
નૉર્મલ થયેલી. ને તરત. ભડાકો. ઢળી પડી. પતિએ ગન દીકરાને આપી. ‘શૂટ મી’. ત્રાડ પાડી. ને પોલિસ
પહોંચી ગઇ. પિતાને કસ્ટડીમાં લીધો. બાળકોને મનોચિકિત્સાલયમાં મોકલ્યા. છૂટા પડતા
બંને જણે ફરી મળવાનું વચન આપ્યું. ‘અહીં જ મળીશું. મોટા થઇને. ફોડી નાંખીશું આ મનહૂસ આયનો’. ક્યારનો કહું છું. અમસ્તા
કહું છું? એનો ભરોસો કરતા નહીં!
૧૧ વર્ષ થયા. છોકરીએ તે અરીસાનો ઇતિહાસ ફંફોળી
કાઢ્યો. ઑક્શન હાઉસમાં જૉબ હતી. ગમે તેમ કરીને મિરર મેળવી લીધો. ફોડી નાંખવા. એ જ ઘર. એ
જ રૂમ. પહેલા એની શેતાની તાકાત રેકૉર્ડ કરી લઉં. વિચાર આવ્યો. કૅમેરા ગોઠવ્યા. ભાઇ
પણ આવી પહોંચ્યો. અને નવી આફતો શરૂ. પહેલા કરતા વધુ ખોફનાક. ‘ઑક્યુલસ’. મતલબ આંખ. આપણી આંખથી
અલગ. આપણા પ્રતિબિંબની આંખ. એ શું જુએ? ભેદી સત્ય. આપણને ક’દી દેખાય નહીં. પ્રતિબિંબની
આંખમાં સંઘરાય. ૨૦૧૩ની ફિલ્મ. ડિરેક્ટર માઇક ફ્લાનેગન.
અરીસાના ભેદ ભયાનક. અઢળક સબૂત મળશે. હૉલિવૂડ
મૂવીઝમાં. વિદેશોમાં લોકો ‘REDRUM’ લખતા ગભરાય. રીતસર થથરે. કારણ? એની મિરર ઇમેજ. ‘MURDER’. ડેની. ટોનીનો પુત્ર. દસેક
વર્ષનો. એને બધું નજર સામે દેખાય. સંકેતની ભાષામાં. એણે પેલો શબ્દ લખેલો. બાથરૂમના
દરવાજા પાછળ. મમ્મીની લિપસ્ટિકથી. રમતાં રમતાં. ને હોનારત શરૂ. બારણા પાછળ અરીસો. એમાં
પ્રતિબિંબ. મર્ડર વાંચ્યું એ પહેલા જ એટેક. અગોચર સૃષ્ટિનો સૌથી ભયાનક હુમલો. ‘ધ શાઇનિંગ’. ૧૯૮૦માં બનેલી સ્ટેનલી
ક્યુબ્રિકની ફિલ્મ. અરીસાનો વધુ એક ભેદ ખોલે છે.
કોઇવાર એવું પણ બને. પ્રતિબિંબ પોતાના ગળે કાપો
મૂકે. સામે ઊભેલો પતી જાય. એક સબ-વેમાં આવા મિરર હતા. સિક્યોરિટી ગાર્ડ ત્યાં
ભાગીને પહોંચ્યો. ગભરાયેલો હતો. બહાર જવાના રસ્તે જોખમ. સામે અરીસા. એમાં એનું
રિફ્લેક્શન. ને મેં કીધું એવું જ થયું. એવી તો અનેક ઘટનાઓ બની. અરીસાઓ સામે જોનાર
દરેકનો અંત. એક પોલિસ ડિટેક્ટિવ સસ્પેન્ડ થયેલો. નાઇટ સિક્યોરિટી ગાર્ડની નોકરી
લીધી. આજે તો કિસ્સો જ પતાવી દઉં. એણે અરીસા ફોડવા ટ્રાય કર્યો. ફૂટતા હશે? હટાવવા ગયો. હટતા હશે? છેવટે થાકીને પૂછ્યું,
બોલ તારે શું જોઇએ છે? આયનામાં તડ પડી. એક શબ્દ લખાયો. ‘એસેકેર’. એના એસેકેર. ૧૨ વર્ષની
છોકરી. માસ મર્ડરમાં. ખતમ જાહેર થયેલી. પણ બચી ગયેલી. એ પઝેસ્ડ હતી. એના અરીસાથી. ઘરમાં.
એની સામે જ બેસી રહેતી. આયનામાં પ્રેતનો વાસ. જિંદગી જોઇતી’તી પ્રેતને. જીવતા થવું’તું. એનાને કામ સોંપેલું.
અરીસા સામે લોકોને લઇ જવાનું. બાકીનો ખેલ પાડે ‘મિરર્સ’. ૨૦૦૮ની ફિલ્મ.
એલેક્ઝેન્ડ્રે અજા ડિરેક્ટર. એની સિક્વલ ‘મિરર્સ 2’. ૨૦૧૦માં વિક્ટર
ગ્રાસિયાએ બનાવી.
અરીસા સામે જોઇ કોઇ પ્રેતકથાના પાત્રનું નામ
પાંચવાર બોલી જુઓ. જો જો હોં, એવું કરતા! એક છોકરી દંતકથાઓ ઉપર
રીસર્ચ કરે. એની એક ફ્રેન્ડ. બંને કૉલેજ સ્ટુડન્ટ. એમણે અખતરો કરેલો. અરીસા સામે
જોઇ ‘કેન્ડીમૅન’નું નામ પાંચવાર બોલ્યા. કંઇ
થયું નહીં. કથાનો કેન્ડીમૅન તો બહાર આવે. હૂક હૅન્ડ ગળામાં ભરાવે. કિસ્સો ખતમ. દંતકથા,
દંતકથા જ રહી. એટલે રીસર્ચરે નોંધ લીધી. બીજું કંઇ કર્યું નહીં. પણ એની ફ્રેન્ડ
જરા હાયપર થઇ. જે મળતું એને કહેતી. ‘અમે તો બોલાવેલો. કંઇ આવ્યો નહીં. ખોટી વાત છે કન્ડીમૅન.
ખાલી ટાઇમપાસ’. ને પછી વાત
બદલાઇ ગઇ. અપયશ કોણ સહન કરે? એ પણ કેન્ડીમૅન! વર્ષોથી કથામાં શાંત બેઠેલો. ખોફનાક રીતે પ્રગટ થયો. ભયાનક. શબ્દ નાનો પડે. એવા
કિસ્સા બનવા લાગ્યા. મિરરમાં પાછો ગયો? બર્નાર્ડ રોઝની ૧૯૯૨ની ફિલ્મ. ‘કેન્ડીમૅન’. જોઇ તો લો એકવાર....
આપણે ત્યાં કહેવાય છે. ‘ગાંડાને અરીસો ના દેખાડાય’. ડાહ્યા પણ ના જુએ તો
સારું. સતત જુઓ તો શું થાય ખબર છે? અસ્વીકૃતિ. ઇટાલિયન
સાયકોલૉજિસ્ટ. જીઓવાની કપુટો. એણે એક પ્રયોગ કરેલો. પચાસેક જણને મિરર સામે
બેસાડેલા. થોડા જ સમયમાં. પ્રતિબિંબ ધૂંધળું થયું. કોઇને દાદા, પરદાદા દેખાયા.
કોઇને લાયન, ટાઇગર. અમુકને સાવ અજાણ્યો ચહેરો દેખાયો. પણ દરેકનું એક ઑબ્ઝર્વેશન
સમાન હતું. પ્રતિબિંબ પોતાનું જ હોવા છતાં અજાણ્યું હતું. એમના કરતા સાવ અલગ કોઇ
એમની સામે જોતું હોય તેવો અનુભવ થયેલો. એ અજાણી વ્યક્તિનું વર્તન પણ એમનાથી સાવ
જુદું. કોઇને હસતું લાગે. કોઇને રડતું દેખાય. કોઇની આંખ બંધ. જાતજાતના અનુભવ.
સાહેબો અને મૅડમો. ફરી કહું છું. ફરી ફરીને કહું છું. આ અખતરો કરશો નહીં. જરાય
મજાક નથી.
હજી બોલો, બીક નથી લાગતી. આ તો ફિલમની વાતો. એમ? મારી તો સલાહ છે. ડર લાગે
તો વટથી સ્વીકારો. ખુદને ખોટા પાડવાની બહાદૂરી કરવા જેવી નથી. ખુદને ખોટો પાડ્યો.
તો ખરે વખતે આંટા આવી જશે. એકમાત્ર આપણું સગું. આપણી પોતાની જાત. સાથે નહીં રહે. સામે
પડશે. પછી કોણ બચાવશે? પેલા અરીસાથી જરા સંભાળજો
હવે....
Viral Mehta